UP ચૂંટણીમાં યોગી વિ અખિલેશઃ CMએ નામાંકન ભર્યું

લખનઉઃ ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય ગરમાટો આવી રહ્યો છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે ગોરખપુર સીટ પરથી નામાંકન દાખલ કર્યું હતું. આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ તેમની સાથે હતા. યોગી સૌપ્રથમ વાર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ વિધાનસભાની ચૂંટણીમાં બધા મુખ્ય પક્ષો પશ્ચિમી અને મધ્ય UPમાં ચૂંટણી સભાઓને સંબોધિત કરી રહ્યા છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, સપાસુપ્રીમો અખિલેશ યાદવ, RLD ચીફ જયંત ચૌધરી, BSP સુપ્રીમો માયાવતી અને AIMIM અસદુદ્દીન ઓવેસી ચૂંટણી સભા કરવામાં વ્યસ્ત છે.

UPની વિધાનસભાની ચૂંટણીમાં યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે.

અખિલેશ યાદવ પર હુમલામાં કોઈ કસર નથી છોડી તો અખિલેશે પણ સામે ચેતવણી ઉચ્ચારી છે કે તેમની પાર્ટી સત્તામાં આવી તો યોગીની સામેના બધા જૂના ગુનાઇત કેસો ફરીથી ખોલવામાં આવશે. જોકે આ બધી બાબતોને યોગી પર કોઈ ફરક નથી પડી રહ્યો. યોગીએ આરોપ લગાવ્યો હતો કે સપાના વહીવટ દરમ્યાન UPમાં તમંચાની ફેક્ટરીઓ ચાલુ હતી. તેમણે કહ્યું હતું કે સરકારમાં ગેન્ગસ્ટર અને માફિયાનું શાસન ચાલતું હતું, જ્યારે ભાજપાના શાસનમાં ભ્રષ્ટ માફિયાઓની ગેરકાયદે સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. યોગી બહુ ચતુરાઈથી અખિલેશ સરકારની નિષ્ફળતાઓ ગણાવે છે અને પોતાના શાસનનાં કરેલાં કામો ગણાવી રહ્યા છે.