નવી દિલ્હીઃ યસ બેંકના સંસ્થાપક અને પૂર્વ મેનેજીંગ ડાયરેકટર રાણા કપૂરને મુંબઇની એક કોર્ટે રવિવારના રોજ 11મી માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. મની લોન્ડ્રિંગ મામલે રાણા કપૂરની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ રાણા કપૂર વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપમાં અલગ કેસ નોંધ્યા છે. ઇડીએ દિલ્હી અને મુંબઇ સ્થિત તેમના ઘર પર દરોડા પાડ્યા અને કલાકો સુધી પૂછપરચ્છ બાદ રાણા કપૂરની ધરપકડ કરી હતી. રાણાને જ્યારે મુંબઇની એક કોર્ટમાં હાજર કરાયા ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા.
મહત્વનું છે કે, રાણા કપૂરની સાથે તેમના પરિવારની પણ ઇડી તપાસ કરી રહ્યું છે. રાણા કપૂરની દીકરી રોશની કપૂરને રવિવારે મુંબઇ એરપોર્ટ પર વિદેશ જતા અટકાવવામાં આવી હતી. તે બ્રિટિશ એરવેઝથી લંડન જઈ રહી હતી. આ પહેલાં ઇડીએ રાણા કપૂર અને તેમના પરિવાર જેમાં પત્ની બિંદુ કપૂર, દીકરી રાખી કપૂર ટંડન, રાધા કપૂર અને રોશની કપૂરની વિરૂદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરી હતી. એટલે કે હવે આ લોકો મંજૂરી વગર દેશની બહાર જઇ શકશે નહીં.
ઇડીના વકીલ સુનીલ ગોંજાલ્વિસે સુનવણી દરમ્યાન કહ્યું કે ઇડીની તપાસના દાયરામાં 4300 કરોડ રૂપિયાની રકમ છે. પૂછપરચ્છ દરમ્યાન રાણા કપૂરે સહયોગનો ઇન્કાર કરી દીધો છે. રાણા કપૂરે આ વાતનું ખંડન કરતાં કહ્યું કે હું ઇડીને સંપૂર્ણ સહયોગ કરવા તૈયાર છું. તેમણે કોર્ટને કહ્યું કે હું પળવાર પણ સૂતો નથી તેમ છતાંય હું દિવસ-રાત સહયોગ કરવા માટે તૈયાર છું. આ દરમ્યાન તેમની આંખોમાં આંસુ આવી ગયા. રાણા કપૂરના વકીલ જૈન શ્રૌફે કોર્ટને કહ્યું કે રિઝર્વ બેંક યસ બેંક વિરૂદ્ધ કેટલાંય પ્રતિબંધો મૂકયા છે ત્યારબાદ લોકોમાં આક્રોશ છે, આ આક્રોશને જોતા રાણ કપૂરને ‘બલિનો બકરો’ બનાવાય રહ્યો છે.