આઠ વર્ષની આ લિસિપ્રિયાએ કોંગ્રેસ પર કેમ કર્યા પ્રહારો?

નવી દિલ્હીઃ 8 વર્ષીય પર્યાવરણ કાર્યકર્તા લિસિપ્રિયા કંગુજમ અત્યારે ખૂબ ચર્ચામાં છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કેન્દ્ર સરકારે ટ્વીટ કરીને કેટલીક પ્રેરણાદાયક મહિલાઓની સ્ટોરીને શેર કરવાની વાત કહી હતી. લિસિપ્રિયા પણ આ લોકો પૈકી જ એક હતી. ભારત સરકારના આ ટ્વીટના જવાબમાં લિસિપ્રિયાએ ધન્યવાદ તો કહ્યું પરંતુ, આ સન્માન સ્વીકારવાની ના પાડી દીધી. બાદમાં કોંગ્રેસે લિસિપ્રિયાની આડમાં મોદી સરકાર પર પ્રહારો કર્યા. કોંગ્રેસના પ્રહારોને જોતા લિસિપ્રિયાએ ટ્વીટ કરીને કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી.

કોંગ્રેસે ટ્વીટ કર્યું કે, મહિલા સશક્તિકરણ પ્રત્યે પીએમ મોદીની વાતો અને પાખંડને બહાદુર પર્યાવરણ કાર્યકર્તા લિસિપ્રિયાએ નકાર્યું છે. લિસિપ્રિયાએ પ્રસ્તાવનો સ્વિકાર નકાર્યા બાદ, તેમણે વડાપ્રધાન મોદીને યાદ અપાવ્યું કે તેમનો અવાજ સાંભળવો તે કોઈપણ ટ્વીટર ઝુંબેશની તુલનામાં ખૂબ મહત્વપૂર્ણ છે.

લિસિપ્રિયાએ કોંગ્રેસને આડે હાથ લેતા ટ્વીટ કર્યું અને કહ્યું કે, તમે મારા પ્રત્યે સહાનુભૂતિ રાખો છો. સારું છે, પોઈન્ટ પર આવીએ. લોકસભા અને રાજ્યસભા બંન્નેમાં ચાલી રહેલા સંસદ સત્રમાં આપના કેટલા સાંસદો મારી માંગણીઓને માનનારા છે? હું એપણ નથી ઈચ્છતી કે માત્ર આપ ટ્વીટર ઝુંબેશ માટે મારા નામનો ઉપયોગ કરો. મારો અવાજ કોણ સાંભળી રહ્યું છે?

કોંગ્રેસના સાંસદ શશિ થરુરે લિસિપ્રિયાને જવાબ આપતા ટ્વીટ કર્યું કે, પ્રિય લિસિપ્રિયા, તમારો અવાજ અમારો પણ અવાજ છે. છેલ્લા ત્રણ વર્ષથી હું એર પોપ્યુલેશન પર બેઠકો કરી રહ્યો છું. હું નેશનલ ક્લિન એર પોલિસીની વાત કરી રહ્યો છે. 2019 ની ચૂંટણી પહેલા કોંગ્રેસે પર્યાવરણ પર વ્યાપક વિચાર-વિમર્શ કર્યો હતો. અમારી વાત અમારા ઘોષણાપત્રમાં નોંધાયેલી છે અને અમે કરીશું.

કોંગ્રેસના સાંસદને જવાબ આપતા લિસિપ્રિયેએ લખ્યું કે, સર આપે જલ્દી જવાબ આપ્યો તે માટે હું ધન્યવાદ કરું છું. પરંતુ તમે મારા પ્રશ્ન અને મારી માંગોને એર પોલ્યુશન પોલિસી સહિતની વાત કહીને આના પરથી ધ્યાન હટાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, લિસિપ્રિયા છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન મોદી અને ભાજપ સાંસદો પાસેથી જળવાયુ પરિવર્તન કાયદો બનાવવાની માંગ કરી રહી છે.