બેંગલુરુઃ કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેડિયુરપ્પા પોતે કોરોના વાઈરસ ચેપનો શિકાર બન્યા છે. હવે એવો અહેવાલ છે કે એમના એક પુત્રી તથા સ્ટાફના છ સભ્યોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પિતા અને પુત્રી બંનેને એક જ, મણીપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
યેડિયુરપ્પા કોરોના વાઈરસ માટે પોઝિટીવ હોવાનું માલૂમ પડ્યા બાદ એમને ગઈ કાલે રાતે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
યેડિયુરપ્પાના નાના પુત્ર બી.વાય. વિજયેન્દ્રએ કહ્યું છે કે પોતે સાવચેતી ખાતર સાત દિવસ માટે હોમ ક્વોરન્ટાઈનમાં રહેશે.
વિજયેન્દ્રએ ટ્વીટમાં જણાવ્યું છે કે આપ સૌની શુભેચ્છા અને પ્રાર્થના બદલ આભાર. મારા પિતાની તબિયત સારી છે. એ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. ડોક્ટરોએ કહ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી.
વિજયેન્દ્રને કર્ણાટક ભાજપના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મણીપાલ હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું છે કે મુખ્ય પ્રધાનની તબિયત સારી છે અને સ્થિર છે. અમારા ડોક્ટરોની ટીમ એમની દેખરેખ રાખી રહી છે.
યેડિયુરપ્પા સાથે છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન જે લોકો સંપર્કમાં આવ્યા હશે એ તમામને સત્તાવાળાઓ શોધી રહ્યા છે અને એમને ક્વોરન્ટાઈન થવાનું જણાવી રહ્યા છે.
બેંગલુરુમાં અત્યાર સુધીમાં કોરોનાના 59,501 કેસ થયા છે અને 1,077 જણના આ બીમારીથી મૃત્યુ થયા છે.