કોરોના કેસમાં ઝડપી ઉછાળાથી સરકારે કઇ વ્યૂહરચના બનાવી?

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસથી 100 વધુ લોકોનાં મોત થયાં છે અને 4,000 લોકો આ રોગના સંક્રમણનો શિકાર થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના 505 નવા કેસ સામે આવ્યા છે. જોકે આ રોગમાંથી 275 લોકો અત્યાર સુધી મુક્ત થયા છે. કોરોના વાઇરસને કારણે 21 દિવસનો લોકડાઉન સમયગાળો છે, જે 14 એપ્રિલ સુધી ચાલશે. કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને કારણે કેન્દ્ર સરકારે એક વ્યૂહરચના બનાવી છે.  

સરકારની વ્યૂહરચના

સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોનાની બેકાબૂ સ્થિતિને જોતાં આક્રમક વ્યૂહરચના બનાવી છે. આ યોજના હેઠળ જે વિસ્તારમાં કોરાના વાઇરસનો વધુ ફેલાવો હોય કે સૌથી વધુ કેસ સામે આવ્યા હોય એ વિસ્તાર અથવા ઝોનને બફર ઝોન બનાવીને સીલ કરવામાં આવશે. આવા ક્ષેત્રને લગભગ એક મહિના સુધી બંધ રાખવામાં આવશે. જેથી કોરોનાનો વધુ ફેલાવો ના થાય.

કોરોના પ્રભાવિત વિસ્તારોને સીલ કરાશે

દેશના 274 જિલ્લાઓમાં અત્યાર સુધી કોવિડ-19ના મામલા સામે આવ્યા છે. 22 માર્ચથી કોરોના સંક્રમિત કેસોમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. એ પછી સરકારે આ યોજના બનાવી છે. 20 પાનાંના દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે આ યોજનાનો ત્યાં સુધી કડક અમલ કરવામાં આવશે જ્યાં સુધી છેલ્લા ટેસ્ટ પછી ઓછામાં ઓછા ચાર સપ્તાહ સુધી કોવિડ-19ના કોઈ નવા કેસ એ વિસ્તારમાંથી ના આવે.

આરોગ્ય મંત્રાલયની વેબસાઇટમાં જારી કરવામાં આવેલા દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે બધા સંદિગ્ધ અને કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરીને આઇસોલેશનમાં રાખવામાં આવશે. દર્દીઓને ત્યારે હોસ્પિટલમાં રજા આપવામાં આવશે, જ્યારે એ દર્દીનો રિપોર્ટ નેગેટિવ ના આવે.જે લોકોમાં કોરોનાના થોડા પણ લક્ષણ દેખાશે તેમને ક્વોરાન્ટાઇનમાં રાખવામાં આવશે. જેકોઈ દર્દીમાં કોરોનાનાં વધુ લક્ષણો હશે તેમને હોસ્પિટલમાં રાખવામાં આવશે.

કોરોના વધુ કેસ વિસ્તારને બફર ઝોન બનાવાશે

સરકારની યોજના મુજબ જે વિસ્તારવે બફર ઝોન બનાવવામાં આવશે, ત્યાંની બધી સ્કૂલ, કોલેજ અને ઓફિસને બંધ રાખવામાં આવશે. આ વિસ્તારોમાં જાહેર પરિવહન બંધ રહેશે અને માત્ર જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે મંજૂરી આપવામાં આવશે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]