ધનજીભાઈ શાહઃ થેલાથી થાપણ સુધી…

જાણીતા ગુજરાતી પ્રકાશક નવભારત સાહિત્ય મંદિરના સ્થાપક ધનજીભાઇ શાહનું ગઇકાલે જ મુંબઇમાં દુઃખદ નિધન થયું. ગુજરાતી સાહિત્યજગતના અનેક પ્રતિષ્ઠિત અને જાણીતા લેખકોના પુસ્તકોને ગુજરાતીઓના ઘેરઘેર પહોંચાડવામાં ધનજીભાઇનું યોગદાન અણમોલ અને ચિરંજીવ છે. ચિત્રલેખા પરિવાર પણ આ ક્ષણે શોકની લાગણી અનુભવે છે અને એમને શ્રધ્ધાંજલિ પાઠવે છે.

ચિત્રલેખાના વર્ષ 2017 ના વાર્ષિક અંકની સાથે પ્રકાશિત થયેલી ગૌરવવંતા ગુજરાતીઓની યાદીમાં પણ એમનો સમાવેશ થયો હતો. એ અંકમાં એમના વિશે લખાયેલો આ લેખ એમને શ્રધ્ધાંજલિરૂપે અહીં પુનઃ પ્રકાશિત કરીએ છીએ…

———————————————————–

ર્ષ ૧૯૬૦ની વાત છે. માંડ એસ.એસ.સી. સુધી ભણેલો ધનજી શાહ નામનો એક કચ્છી માડુ હાથમાં ફક્ત 200 રૂપિયાની મૂડી લઈને મુંબઈમાં પગ મૂકે છે. ત્રીજા ધોરણમાં સાથે ભણતા બાળગોઠિયા ખુશાલભાઈ વોરાને મળે છે. ખુશાલભાઈનું લોખંડબજારમાં સારું કામ છે, પણ એમણે જોયું કે આ મિત્ર તો અમદાવાદમાં પુસ્તક પ્રકાશકને ત્યાં કામ કરવાનો અનુભવ ધરાવે છે. લોખંડબજારમાં એની ચાંચ કેમ ડૂબશે?  છેવટે એ પોતે જ સલાહ આપે છે કે, તને પુસ્તકની લે-વેચનો અનુભવ છે તો એ જ કામ કર. ધંધો ચાલુ કરવા ખુશાલભાઈ થોડીક મૂડીની પણ મદદ કરે છે અને એમાંથી કાલબાદેવીમાં ભાડાની જગ્યા લઈને આ યુવાન પુસ્તકની દુનિયામાં પાંખ ફફડાવે છે.

કટ ટુ ૨૦૧૭.

ગુજરાતી પુસ્તક પ્રકાશનની દુનિયામાં આજે ધનજીભાઈ શાહ અને એમણે સ્થાપેલા‘ નવભારત સાહિત્ય મંદિર’નું નામ બહુ જાણીતું છે. લોકપ્રિય નવલકથાકાર રસિક મહેતાની નવલકથા પ્રણયપ્રકાશ ના પ્રકાશનથી શરૂ કર્યા પછી આજ સુધીમાં નવભારત દ્વારા એમણે લગભગ પ૦૦૦થી વધારે પુસ્તકો ગુજરાતી વાચકોને આપ્યા છે. ચંદ્રકાન્ત બક્ષી, પ્રિયકાન્ત પરીખ, ચુનીલાલ મડીયા, મોહનલાલ મહેતા, કુન્દનિકા કાપડિયા, મકરંદ દવે, કાન્તિ ભટ્ટ, તારક મહેતા અને અશ્વિની ભટ્ટ જેવા લેખકોને પુસ્તકસ્વરૂપે દેશ-વિદેશમાં વાચકોના ઘર સુધી પહોંચાડ્યા છે.

પિતા પ્રેમચંદભાઈ તો મુંદ્રામાં વાસણની ફેરી કરતા. બહોળો પરિવાર એટલે ધનજીભાઈ અમદાવાદ આવીને પરિવારના જ વડીલો એવા શંભુભાઈ અને ગોવિંદભાઈ સાથે એમની પ્રકાશન સંસ્થા ગુર્જર પ્રકાશનમાં જોડાયા. પુસ્તકની દુનિયાનો આ પહેલો પરિચય. ગુર્જરમાં એ દિવસોમાં ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય જેવા લેખકો આવતા. એમને નજીકથી જોયા. પુસ્તકોનું વેચાણ કેમ થાય એ શીખ્ચા. ૧૯૬૦માં મુંબઈ આવ્યા ત્યારે શરૂઆતમાં જૂના પુસ્તકો ખરીદીને અમદાવાદ વેચવા મોકલતા. સંઘર્ષના એ દિવસમાં સવારે નવ વાગ્યે ઘરેથી થેલામાં પુસ્તકો નાંખીને નીકળતા. સ્કૂલોમાં જાય અને વેચે. જૂના પ્રકાશકો પાસેથી વેચાણનું ઓછું કમિશન મળે તો ય પુસ્તકોનું વેચાણ વધારવા અથાગ મહેનત કરતા. ચિત્રલેખા માં એની અવરજવર એટલે મધુરીબહેનને મળે. વજુભાઈના પુસ્તકો ય વેચ્યા. ચિત્રલેખા ના જિતુભાઈ મહેતા અને વિજયગુપ્ત મૌર્ય જેવા લેખકોના પુસ્તકો ય છાપ્યા. બક્ષી અને મડિયા જેવા લોકપ્રિય લેખકો નવભારતમાં આવ્યા અને મહેનતકશ ધનજીભાઇનો ધંધો જામતો ગયો.

વણિકના દીકરાને આમે ય ધંધો કરતા શીખવાડવું ન પડે. આફ્રિકન દેશોમાં વસતા ગુજરાતીઓના નામ-સરનામા મેળવીને એ સામેથી ઓર્ડર વિના પુસ્તક મોકલી આપે. મોટાભાગે ગુજરાતીઓ બિલ ય મોકલી આપે! વેપારની સૂઝ જબરી. ૧૯૬૭માં દરિયાઈ માર્ગે પુસ્તકો મોકલી શકવાની મંજૂરી મળતા અને એક્સપોર્ટ પર છૂટછાટ મળતા ધનજીભાઇએ જહાજમાં પેટીઓ ભરીને પુસ્તકો મોકલવાનું શરૂ કર્યું. એક વખત પુસ્તકોના વેચાણ માટે લંડન ગયા. ત્યાંની લાઇબ્રેરીમાં સંચાલક ભદ્રાબહેન મુંદ્રાના ગુજરાતી હતા. પરિચય થયો તો જાણવા મળ્યું કે એ તો બાળપણમાં સ્કૂલમાં સાથે હતા! એ પછી લંડનની લાઇબ્રેરીમાં ય નવભારતના પુસ્તકો વંચાતા થઈ ગયા.

મુંબઈમાં મધુરીબેન શાહ મ્યુનિસિપલ સ્કૂલોમાં ઓર્ડર અપાવતા. સુરેશ દલાલે પણ ખૂબ સહકાર આપ્યો. સામે ધનજીભાઈએ પોતાના સરળ સ્વભાવ અને ચબરાક વાણિયાબુદ્ધિથી બક્ષી જેવા તેજતરાર લેખકને પણ નવભારતમાં સાચવી રાખ્યા! સુરેશ દલાલ લખે છે, ‘નવભારતમાં છપાયેલા પુસ્તકોના અક્ષરમાંથી ધનજીભાઈની અદશ્ય છાપ ઉપસે છે.’

અલગ અલગ સ્વભાવ અને પ્રકૃતિ ધરાવતા લેખકોને એકસાથે સાચવી રાખવામાં અને એમને અક્ષરદેહે લાખો વાચકો સુધી પહોંચાડવામાં ધનજીભાઈ સફળ થયા છે. ક્યારેય કોઈના પ્રત્યે કડવાશ રાખી નથી. બલ્કે, જીવનમાં થયેલા ખરાબ અનુભવોને ભૂલી જઈને ફક્ત સારા પ્રસંગો જ યાદ રાખ્યા છે. અથાગ મહેનત પછી પણ એ નમ્રતાથી કહે છે, ભાગ્ય ચડિયાતું હોય તો જ પુરુષાર્થને સાથ મળે છે.

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

થેલામાં પુસ્તકો રાખીને વેચવાથી શરૂ થયેલી એમની આ સફર આજે ગુજરાતી સાહિત્યની અણમોલ થાપણ સર્જી ચૂકી છે.

(કેતન ત્રિવેદી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]