નવી દિલ્હીઃ બિહારની પૂર્ણિયા સીટ અને પપ્પુ યાદવ કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનતો જઈ રહી છે. હાલમાં જ કોંગ્રેસ પક્ષમાં સામેલ થયેલા પપ્પુ યાદવે પહેલાં RJDના હિસ્સાવાળી પૂર્ણિયા સીટ પર અપક્ષ ઉમેદવાર તરીરે નામાંકન દાખલ કર્યું છે, જ્યારે RJDએ અહીંથી બીમા ભારતીને મેદાનમાં ઉતાર્યાં હતાં. સંભાવના એવી હતી કે પપ્પુ યાદવે નોમિનેશનના છેલ્લા દિવસે પોતાનું નામ પરત ખેંચી લેશે, પણ એવું નહીં થયું.
હવે RJDએ પૂર્ણિયામાં નવી વ્યૂહરચના અપનાવી છે. RJDએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને અરજ કરી છે કે રાહુલ ગાંધી પપ્પુ યાદવની વિરુદ્ધ પૂર્ણિયામાં તેજસ્વીની સાથે ચૂંટણી સભા કરે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે શું રાહુલ ગાંધી પોતાના જ નેતાની વિરુદ્ધ સભા કરવા માટે તૈયાર થાય છે કે નહીં?
RJDએ કોંગ્રેસને પ્રપોઝલ આપી છે કે ઇન્ડિયા એલાયન્સ સાથેની ચૂંટણી સભા પૂર્ણિયામાં કરવામાં આવે, જેમાં રાહુલ ગાંધી હાજર હોય. બિહારમાં સીટ શેરિંગમાં કોંગ્રેસ સતત પ્રયાસ કરી રહી છે કે પૂર્ણિયા સીટ કોંગ્રેસને મળે, પરંત વાતચીતની અંતિમ ચર્ચા સુધી એવું થઈ ના શક્યું. ત્યાર બાદ JDUથી RJD સામેલ થયેલી બીમા ભારતીને RJDએ પૂર્ણિયા સીટથી ઉમેદવાર બનાવી છે. બીમા ભારતી હવે ઇન્ડિયા એલાયન્સની સત્તાવાર ઉમેદવાર છે.
કોંગ્રેસ પપ્પુ યાદવ સામે શિસ્તભંગનાં પગલાં લેવા માટે પાર્ટીના કેટલાક નેતાઓ કહી રહ્યા છે, કેમ કે પપ્પુ યાદવ પૂર્ણિયાથી ઉમેદવારી કરીને ગઠબંધનના ધર્મનું પાલન નથી કરી રહ્યા. પપ્પુ યાદવે તેમની પાર્ટીનો વિલય કોંગ્રેસમાં કર્યો હતો, પણ તેમણે કોંગ્રેસનું સભ્યપદ નથી લીધું, એમ સૂત્રોએ કહ્યું હતું.