બિહારમાં ફરી કોઈ મોટી રાજકીય રમત રમાશે?

પટનાઃ બિહારમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. બિહારના CM નીતીશકુમાર અને RJD નેતા તેજસ્વી યાદવે સચિવાલયમાં આશરે અડધો કલાક મુલાકાત કરી હતી. જેથી બિહાર સહિત દેશના રાજકારણમાં અટકળોનો દોર શરૂ થયો છે. આવામાં સવાલ થઈ રહ્યો છે કે બિહારમાં ફરી કોઈ મોટો ખેલ થવાનો છે?

શું બિહારમાં ફરીથી કોઈ મોટા નેતાનો અંતરાત્મા જાગી રહ્યો છે. શું બિહાર ફરીથી દેશના રાજકારણનું કેન્દ્ર બનશે? બિહારમાં પ્રશાંત કિશોરની સક્રિયતા અને નીતીશકુમારના મૌને રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. આ મુલાકાતમાં થયેલી વાતચીતને નજરઅંદાજ ના કરી શકાય. આ ઉપરાંત હાલના ઘટનાક્રમમાં જોઈએ તો JDUના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીને રાષ્ટ્રીય પ્રવક્તાપદથી દૂર કરવામાં આવ્યા છે. તેઓ અનેક વાર પાર્ટી લાઇનથી બહાર જઈને નિવેદનો કરતા તેમને પ્રવક્તાપદેથી દૂર કરવામાં આવ્યા છે, કેમ કે JDU હાલ ભાજપ સાથે સંબંધ ખરાબ કરવા નથી ઇચ્છતી, એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

જો સત્તાવાર નિવેદન સાચું માનીએ તો આ મુલાકાત માત્ર માહિતી કમિશનરની નિયુક્તિ કરવા માટે હતી, પણ સવાલ એ વાતનો છે કે માહિતી કમિશનરની નિમણૂક સિવાયની ઇતર વાતનો છે, જેનો ઉલ્લેખ તેજસ્વી યાદવે પત્રકારોને પણ કર્યો છે. વળી, આ બંને ધુરંધરો આશરે આઠ મહિના પછી એકમેકને મળ્યા હતા.કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં JDU ફરીથી RJD સાથે ગઠબંધન કરી શકે. જોકે આ કહેવું હાલ ઘણું જલદી ગણાશે, પણ રાજકારણમાં કોઈ સ્થાયી મિત્ર કે દુશ્મન નથી હોતા, જેથી થોભો અને રાહ જુઓ.