‘લગ્ન પ્રસંગ વિદેશમાં નહીં, દેશમાં જ યોજો’: પીએમ મોદીની નાગરિકોને અપીલ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં એમની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે આદરેલી પહેલ વોકલ ફોર લોકલ (આત્મનિર્ભર ભારત) પર ભાર મૂક્યો હતો. એમણે નાગરિકોને વિનંતી કરી હતી કે તેઓ લગ્ન સમારંભ વિદેશમાં જઈને ન યોજે, પણ આપણા દેશમાં જ યોજે. વડા પ્રધાને નાગરિકોને બીજી અપીલ એ કરી છે કે લગ્નપ્રસંગ માટે ખરીદી કરતી વખતે સૌ ભારતમાં બનાવેલા ઉત્પાદનોને મહત્ત્વ આપે.

વડા પ્રધાને વધુમાં કહ્યું, હાલ લગ્નની મોસમ શરૂ થઈ છે. કેટલાક વેપાર સંઘનો અંદાજ છે કે આ વખતની લગ્નસરાની મોસમમાં દેશમાં રૂ.પાંચ લાખ કરોડનો વકરો થઈ શકે છે. લગ્નપ્રસંગ માટે ખરીદી કરતી વખતે આપ સહુએ માત્ર ભારતમાં નિર્મિત ઉત્પાદનોને જ મહત્ત્વ આપવું જોઈએ. જો દેશમાં જ લગ્નપ્રસંગો યોજાય તો ગરીબ લોકોને પણ કેટલીક સેવાઓ પૂરી પાડવાનો અવસર પ્રાપ્ત થઈ શકે.

કેટલાક પરિવારો આજકાલ વિદેશમાં જઈને જ લગ્ન કરવાનો એક ચીલો પાડી રહ્યા છે. શું આ બધું જરૂરી છે? જો આપણે આપણી જ ધરતી પર, આપણા જ લોકોની વચ્ચે રહીને લગ્ન ઉત્સવોની ઉજવણી કરીએ તો દેશનો પૈસો દેશની અંદર જ રહે. શું તમે વોકલ ફોર લોકલ મિશનને આગળ વધારશો? આપણે શા માટે લગ્નપ્રસંગો આપણા જ દેશમાં યોજવા ન જોઈએ? એવો સવાલ વડા પ્રધાને ઉચ્ચાર્યો હતો. આજના મન કી બાત કાર્યક્રમની આવૃત્તિ 107મી હતી.