નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે દાવો કર્યો કે, દિલ્હીમાં ભાજપ 70 માંથી 45 સીટ જીતીને સરકાર બનાવશે. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે, દિલ્હીમાં વાતાવરણ ભાજપ તરફી બની ગયું છે અને કેટલાક નેતાઓના ચહેરાઓ જાણે કરમાઈ જ ગયા છે.
સ્વાભાવિક રીતે બધાને એ પ્રશ્ન થાય કે આખરે જનતા વચ્ચે આમ આદમી પાર્ટીની આટલી સારી છબી હોવા છતા પણ શા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લાગી રહ્યું છે કે જનતા કેજરીવાલને બીજીવાર તક નહી આપે? હકીકતમાં આ દાવા પાછળ વડાપ્રધાન મોદી અને અમિત શાહની સાથે જ પાર્ટીના કેટલાય દિગ્ગજ નેતાઓની રેલીઓમાં ઉમટી રહેલી ભીડ, પાર્ટીના આંતરિક સર્વેમાં કથિત રીતે સામે આવ્યું કે જનતાનો બદલાયેલો મિજાજ અને કેટલાક ઓપિનિયન પોલ્સના પરિણામો છે. ભાજપના નેતાઓનું માનવું છે કે, ગૃહમંત્રી અમિત શાહ અને બાદમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની રેલીઓએ દિલ્હીની ચૂંટણીના માહોલને બદલવાનું કામ કર્યું તો હવે વડાપ્રધાન મોદીની રેલીઓ બાદ માહોલ ભાજપના પક્ષમાં દેખાવા લાગ્યો છે.
આ દાવા પાછળ પાર્ટીનો એક આંતરિક સર્વે છે કે ઈસ્ટ દિલ્હીમાં થયેલી વડાપ્રધાન મોદીની રેલી બાદ દિલ્હીના તમામ વિધાનસભા ક્ષેત્રોમાં કરાવવામાં આવ્યો હતો. આ સર્વેના પરિણામોના આધાર પર કહેવામાં આવી રહ્યું છે કે શાહીનબાગ, સર્જિકલ સ્ટ્રાઈક, બાટલા હાઉસ જેવા મુદ્દાઓ પર મોદીએ જે પ્રકારે ખૂલીને પોતાની વાત જનતા સામે મૂકી છે તેની લોકો પર ખૂબ ઉંડી અસર પડતી દેખાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોદીની રેલી પહેલા જેટલા સર્વે કરાવવામાં આવ્યા હતા, તેમાં ભાજપ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ટક્કર આપતી તો દેખાઈ રહી હતી પરંતુ પરિણામો આમ આદમી પાર્ટીના પક્ષમાં જ જતા હતા. જો કે, પહેલા યોગી આદિત્યનાથ અને પછી વડાપ્રધાન મોદીની રેલીઓ બાદ ટક્કર જોરદાર બની ગઈ છે અને પરિણામો હવે ભાજપના પક્ષમાં આવતા દેખાઈ રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે આ સર્વેમાં ઘણી સીટો પર કોંગ્રેસ પણ બાજી મારતી દેખાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારે મોડી સાંજે કરાવવામાં આવેલા એક સર્વેમાં ભાજપને 27 સીટો, આપને 26 અને કોંગ્રેસને 8 થી 9 સીટો મળતી દેખાઈ રહી છે જ્યારે બાકીની સીટો પર ખૂબ જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે અને પરિણામો કોઈપણના પક્ષમાં આવી શકે છે. પાર્ટી નેતાઓ અનુસાર, આ સર્વે સોમવારની રેલી બાદ કરાવવામાં આવ્યો જ્યારે વડાપ્રધાન મોદીએ મંગળવારે સાંજે પણ વેસ્ટ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં પણ એક મોટી રેલીને સંબોધિત કરી હતી. ત્યારે એ રેલી બાદ માહોલ બદલવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને વેસ્ટ દિલ્હીના ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની સ્થિતિ વધારે સુધરે તેવી અપેક્ષાઓ છે.
પાર્ટીના નેતાઓએ ચૂંટણી પ્રચારમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. અમિત શાહે એકલાએ દિલ્હીની 50 વિધાનસભામાં પ્રચાર કર્યો જે એક રેકોર્ડ ગણી શકાય. ભાજપના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, અમિત શાહે 23 જાન્યુઆરીથી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરુ કર્યો હતો. 6 ફેબ્રુઆરીની સાંજે પ્રચાર ખતમ થવા સુધી તેઓ 41 વિધાનસભા ક્ષેત્રોમાં જનસભા અને 12 વિસ્તારોમાં રોડ-શો કરી ચૂક્યા હતા.તો પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ દિલ્હીમાં 29 જનસભાઓની સાથે-સાથે 15 રોડ શો કર્યા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આક્રામક અંદાજમાં પ્રચાર કર્યો હતો.