અવિશ્વાસ પ્રસ્તાવ પર FM સીતારામનના વિપક્ષ પર ચાબખા

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે જ્યારે વૈશ્વિક અર્થતંત્રો ઊંચા મોંઘવારી દર અને ધીમા આર્થિક વિકાસદરથી ઝઝૂમી રહ્યા છે, ત્યારે ભારત ભવિષ્ના ગ્રોથને લઈને આશાવાદી અને સકારાત્મક થવા સાથે શાનદાર સ્થિતિમાં છે. લોકસભામાં મોદી સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં બોલતાં તેમણે કહ્યું હતું કે પહેલાં સરકારો લોકોને સપનાં બતાવતી હતી, જ્યારે હાલની સરકાર સપનાં પૂરાં કરે છે.

તેમણે કહ્યું હતું કે 2013માં મોર્ગન સ્ટેન્લીએ ભારતને વિશ્વનાં પાંચ નાજુક અર્થતંત્રોની યાદીમાં સામેલ કર્યું હતું. એ જ મોર્ગન સ્ટેન્લીએ ભારતને અપગ્રેડ કરીને ઊંચું રેટિંગ આપ્યું છે. માત્ર નવ વર્ષોમાં અમારી સરકારની નીતિઓને કારણે કોવિડ19 છતાં અર્થતંત્રમાં સુધારો થયો છે અને આર્થિક વિકાસ થયો છે.  આજે ભારત વિશ્વનાં સૌથી ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાંનું એક છે.તેમણે કહ્યું હતું કે થશે, મળશે જેવા શબ્દોનો ઉપયોગ હવે નથી થતો. હાલના દિવસોમાં લોકો કહે છે- બની ગયું, મળી ગયું, આવી ગયું. લોકો કહેતા હતા કે વીજ આવશે, ગેસ કનેક્શન મળશે. હવે ગેસ કનેક્શન મળી ગયું, વીજ આવી ગઈ. લોકોએ 2014 અને 2019માં UPAની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા અને તેમને હરાવી દીધા, 2024માં પણ સ્થિતિ એવી જ થશે.

બેન્કિંગ સેક્ટર વિશે તેમણે કહ્યું હતું કે બેન્કોમાં જે છટકબારીઓ જે તમે રાખી હતી અને કરોડો રૂપિયા ચાંઉ થતા હતા, એ અમે છટકબારીઓ બંધ કરી છે. અમે બેન્કિંગ સેક્ટરને મજબૂત કર્યું છે. બેન્ક રાજકીય હસ્તક્ષેપ વગર કામ કરવામાં હવે સક્ષમ છે. તેઓ પ્રોફેશનલી ઇમાનદારી સાથે કામ કરી રહ્યા છે.