બીબીસી પાસે પૈસા ક્યાંથી આવે છે? એના માલિક કોણ છે?

મુંબઈઃ 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણોમાં તે વખતના મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા વિશે શંકા કરતી એક દસ્તાવેજી ફિલ્મ બનાવીને અને રિલીઝ કરીને બ્રિટનની સંસ્થા બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)એ ભારતમાં તેમજ ભારત બહાર વસતા ભારતીયોમાં ઉહાપોહ મચાવી દીધો છે. તેની દસ્તાવેજી પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો છે. આજે આવકવેરા વિભાગે બીબીસીની દિલ્હી તથા મુંબઈમાંની ઓફિસો પર દરોડો પાડ્યો છે. બીબીસી પાસે પૈસા ક્યાંથી આવે છે, એના માલિક કોણ છે એવા સવાલો લોકોને મનમાં સતાવ્યા કરે છે.

બીબીસીની સ્થાપના 1922ની 18 ઓક્ટોબરે જોન રીથે ખાનગી કંપની તરીકે કરી હતી. શરૂઆત થયાના ચાર વર્ષમાં આ કંપનીએ યૂરોપમાં અનેક વિષયો પર ઉત્તમ કવરેજ કરીને બ્રિટિશ લોકોની વાહ-વાહ મેળવી હતી. તે પછી એનું ખાનગી કંપનીમાંથી પબ્લિક કોર્પોરેશનમાં રૂપાંતર કરવામાં આવ્યું હતું. બ્રિટિશ સંસદે પણ તેને માન્યતા આપી છે. આ એક સ્વતંત્ર સંસ્થા છે.

બીબીસી સમાચાર એજન્સી કોઈ ખાનગી કે સરકારી જાહેરખબરો ન સ્વીકારતી હોવાનો દાવો કરે છે. તે એમ કહે છે કે એનું સંચાલન બ્રિટિશ સરકાર કરે છે. એટલે કે, બ્રિટનના નાગરિકો દ્વારા ચૂકવાતા ટેક્સની રકમથી ચાલે છે. બીબીસીએ ઈંગ્લેન્ડની સાથોસાથ યૂરોપના દેશોમાં પોતાની જાળ ફેલાવ્યા બાદ એશિયામાં પણ અનેક દેશોમાં વિસ્તરણ કર્યું હતું. લંડન બાદ એની સૌથી મોટી ઓફિસ દિલ્હીમાં છે. લંડનમાં તેનું મુખ્યાલય બ્રોડકાસ્ટિંગ હાઉસ કહેવાય છે. તેના ચેરમેન રિચર્ડ શાર્પ છે અને ટીમ ડેવી ડાયરેક્ટર-જનરલ છે. સંસ્થા બ્રોડકાસ્ટિંગ ઉપરાંત વેબ પોર્ટલ, ટેલિવિઝન, રેડિયો અને ઓનલાઈન સેવાઓ પણ ચલાવે છે. 2021માં આ સંસ્થાની આવકનો આંકડો હતો – 5.064 અબજ પાઉન્ડ. સંસ્થાનો દાવો છે કે તેની માલિક બ્રિટનની જનતા છે અને સંચાલક બ્રિટિશ સરકાર છે. 2021માં તેના કર્મચારીઓની સંખ્યા 22,219 હતી.

બીબીસી સૌથી ભ્રષ્ટ સંસ્થાઃ ભાજપ

ભાજપના ગૌરવ ભાટિયાએ આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં કહ્યું છે, બીબીસી દુનિયાની સૌથી ભ્રષ્ટ અને બકવાસ સંસ્થા છે. એનો પ્રચાર અને કોંગ્રેસ પાર્ટીનો એજન્ડા, બેઉ સરખા જ છે.