પ્રત્યેક ભારતવાસીને કોરોના-રસી અપાશેઃ પીએમ મોદીની ખાતરી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની સ્થિતિને લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આઠ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે કોરોનાની રસી ક્યારે ઉપલબ્ધ થશે, એનો સમય આપણે નક્કી ન કરી શકીએ. એ તો વૈજ્ઞાનિકોના હાથમાં છે. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો આ મામલે રાજકારણ કરી રહ્યા છે, એમ કરવું ન જોઈએ પરંતુ કોઈને રાજકારણ કરતા રોકી શકાતા નથી.

વિડિયો કોન્ફરન્સ બેઠકમાં રાષ્ટ્રીય પાટનગર દિલ્હી, ગુજરાત, પશ્ચિમ બંગાળ, કેરળ, છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી. આ રાજ્યોમાં કોરોના વાઇરસના કેસ ખૂબ ઝડપથી વધી ગયા છે. કોરોના વાઇરસના વધતા કેસને લઈને મોદીએ કહ્યું હતું કે RT-PCR ટેસ્ટનું પ્રમાણ વધારવું જોઈએ. ગામડાંનાં હેલ્થ સેન્ટર્સ પર વધારે ધ્યાન આપવું પડશે. લોકોમાં જાગૃતિ લાવવામાં કોઈ કચાશ રહેવી ન જોઈએ. વેક્સિનનું સંશોધન અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ભારત સરકાર આ દિશામાં ઝીણવટપૂર્વક નજર રાખી રહી છે. એ પણ નક્કી નથી કે વેક્સિનનો એક ડોઝ હશે કે બે ડોઝ. કિંમત પણ નક્કી નથી. આ સવાલોના જવાબ અમારી પાસે નથી. વૈજ્ઞાનિક કસોટીમાંથી પાર ઉતરે તે પછી જ કોરોના રસી ભારતવાસીઓને અપાશે. દરેક ભારતવાસીને કોરોના રસી ઉપલબ્ધ કરાવવી એ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજની વિડિયો કોન્ફરન્સમાં કોરોના રોગચાળા અને વેક્સિન બાબતે ચર્ચા કરી હતી. જેમાં વેક્સિનની ઉપલબ્ધતા, વિતરણ અંગે સમીક્ષા કરી હતી. વડા પ્રધાને એવું પણ કહ્યું હતું કે કોરોના બાબતે માત્ર દવા લેવાથી આ રોગચાળો મટી જશે તેવું માનવું નહીં. દુનિયાના અન્ય દેશો કરતાં ભારતની સ્થિતિ કોરોના  મામલે વધારે વણસી નથી તે એક સારી વાત છે.