કોરોના સામેનું યુદ્ધ આ એન્ટી બોડી ટેસ્ટથી જીતશે ભારત!

નવી દિલ્હીઃ કોરોના વાયરસ ટેસ્ટિંગમાં અત્યારે ભારત ભલે થોડું પાછળ હોય પરંતુ હવે સરકારે આની પદ્ધતિ પણ શોધી લીધી છે. એન્ટી બોડી ટેસ્ટથી ભારત હવે કોરોના વાયરસને મ્હાત આપવાની તૈયારીના કામમાં લાગી ગયું છે. રેપિડ એન્ટીબોડી અત્યાર સુધી કરવામાં આવી રહેલા ટેસ્ટના મુકાબલે વધારે ફાસ્ટ છે અને પરિણામો 30 મીનિટમાં આપી દે છે. આ સાથે જ આ ખૂબ સસ્તું પણ છે. ભારતમાં કોરોના ટેસ્ટની વાત કરીએ તો ICMR અનુસાર 6 એપ્રિલ સુધી કુલ 1 લાખ 11 હજાર ટેસ્ટ થયા છે. આ પૈકી 5000 થી વધારે કોરોના પોઝિટિવ જણાયા છે.

કોરોનાને રોકવા માટે હવે રેપિડ ટેસ્ટ થશે. આ ફટાફટ ટેસ્ટ સૌથી પહેલા ક્લસ્ટર અને હોટસ્પોટ બની ગયેલી જગ્યાઓ પર થશે. એટલે કે જ્યાં કોરોના ફેલાઈ રહ્યો છે ત્યાં. સરકાર મેડિકલ સ્ટાફને આશરે 7 લાખ રેપિડ ટેસ્ટ કીટ આપશે. દેશભરના હોટસ્પોટ કે જેમાં હવે દિલ્હી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે તેમાં ટેસ્ટ વધારે કરવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ટેસ્ટિંગ પર જોર આપશે. તે દિલ્હીના દિલશાદ ગાર્ડન અને નિઝામુદ્દીન હોટસ્પોટ પર ટેસ્ટ વધારે કરાવશે. ઉલ્લેખનીય છે કે કોરોના સામેના યુદ્ધમાં સૌથી જરુરી છે કે પ્રતિ 10 લાખની વસતી પર કેટલા લોકોના ટેસ્ટ થયા.

અત્યારે સરકાર પીસીઆર ટેસ્ટ કરી રહી છે. આમાં નાક અથવા ગળાના નમૂના લેવામાં આવે છે અને પરિણામો આવવામાં કલાકનો સમય લાગે છે. જ્યારે એન્ટી બોડી ટેસ્ટમાં 30 મીનિટમાં પરિણામો આવે છે. આમાં બ્લડ સેમ્પલથી ટેસ્ટ થાય છે. આંગળીથી લોહીનું સેમ્પલ લેવામાં આવે છે.