પશ્ચિમ બંગાળઃ અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા

કોલકાતાઃ લોકપ્રિય બોલીવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. અહીંના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલી યોજાય તે પૂર્વે મિથુન ભાજપમાં જોડાયા હતા. બાદમાં મોદીએ સભાસ્થળે આગમન કર્યા બાદ સ્ટેજ પર મિથુનનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં પક્ષનો હવાલો સંભાળનાર કૈલાસ વિજયવર્ગીય અને ભાજપ પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ દિલીપ ઘોષે મિથુનને પાર્ટીનો ધ્વજ સુપરત કર્યો હતો. તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ નેતા મિથુન ભાજપમાં જોડાશે કે નહીં એ વિશે અનેક અઠવાડિયાઓથી ચાલતી અટકળોનો આ સાથે અંત આવી ગયો છે. પશ્ચિમ બંગાળમાં માર્ચ-એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

 

પક્ષમાં સામેલ થયા બાદ મિથુને મેદાનમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં પોતાના જાણીતા બંગાળી વન-લાઈનર સંવાદોમાંના અમુકને ઉચ્ચાર્યા હતા. જેમ કે, ‘હું તને અહીંયા જ પટકી દઈશ અને તારી લાશ સ્મશાનભૂમિમાંથી મળશે.’ મિથુને કહ્યું કે, ‘આજે હું મારો નવો ડાયલોગ બોલું છું, મારું નામ મિથુન ચક્રવર્તી છે, હું જે બોલું છું એ કરી દેખાડું છું. હું ખતરનાક કોબ્રા છું, કંઈ જેવો-તેવો સાપ નથી. મારા એક જ દંશથી તમારી ફિલ્મ બની જશે. હું ક્યારેય જંગ છોડીને ભાગતો નથી.’