જયપુરઃ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાનું થાણેતા ગામ શુક્રવારે દારૂમુક્ત ગામ બન્યું હતું. અહીંના રહેવાસીઓએ ગામમાં આવેલી દારૂની દુકાનોને બંધ કરવા માટે તેમની પંચાયતમાં મતદાન કર્યું હતું. આ મતદાન પ્રક્રિયામાં 3245 યોગ્ય મતદારોમાંથી 2206 મતદારોએ દારૂના પ્રતિબંધની તરફેણમાં મતદાન આપ્યું હતું, જ્યારે માત્ર 61 મતો દારૂના પ્રતિબંધની વિરુદ્ધમાં પડ્યા હતા, જ્યારે 40 મતો ગેરલાયક જાહેર થયા હતા. આ મતદાન ગામની મહિલાઓ દ્વારા દારૂવિરોધી ઝુંબેશ પછી યોજવામાં આવ્યું હતું. આ મતદાનનું પરિણામ જાહેર થયા પછી ગ્રામજનોએ મતદાન મથકની બહાર ડાન્સ કરીને જીતની ઉજવણી કરી હતી.
આ ગામમાં મહિલાઓ દારૂવિરોધી ઝુંબેશ પછીના મતદાનના પરિણામ પછી ગામલોકોમાં ઉત્સાહ હતો અને તેમણે તેની ઉજવણી કરી હતી. કલેક્ટર અરવિંદ પોસવાલ અને SDM સીપી વર્માએ તેમ જ રાજસમંદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ આ મતદાનની નિગરાની કરી હતી. રાજ્સ્થાનના એક્સાઇઝ નિયમો હેઠળ ખાસ મતદાન યોજવામાં આવ્યું હતું, જે પંચાયતને 50 ટકા રહેવાસીઓ દારૂની દુકાનો બંધ કરવા મતદાન કરે તો નિયમો મુજબ દારૂની દુકાનો બંધ કરવાની સત્તા આપે છે.
થાણેતા ગામના મહિલા સરપંચ દીક્ષા ચૌહાણ પરિણામથી ખુશ હતાં અને કહ્યું હતું કે અમારા ગામવાસીઓનો ઇન્તેજાર ખતમ થયો છે. અમે ઇચ્છતા હતા કે ગામમાં આવેલી બધી દારૂની દુકાનો પર પ્રતિબંધ મુકાય. ગામના લોકોએ દારૂબંધી માટે એકમેકને આગળ આવીને પ્રેરણા આપી હતી. લોકોના ટેકાથી છેલ્લા ઘણા મહિનાઓની અમારી મહેનત ફળી છે.
આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ એ દૂષણ હતું અને મહિલાઓ જ એના દુષ્પરિણામોનો ભોગ બનતી હતી. જેથી મહિલા સરપંચે દારૂના પ્રતિબંધ માટે ગામમાં ઝુંબેશ ચલાવી હતી.