નવી દિલ્હીઃ ભારતમાં નાગરિકોને કોરોના વાઈરસ (કોવિડ-19)ની રસી આપવા માટેની પ્રક્રિયા ઘડવામાં આવી રહી છે. 50 કે તેથી વધુ વયના લોકોને રસી આપવામાં પ્રાધાન્ય અપાશે. એવા લોકોની ઓળખ કરવા માટે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ માટે તૈયાર કરાયેલી તાજી મતદાર યાદીનો ઉપયોગ કરવામાં આવશે. આ જાણકારી રસીકરણ પ્રક્રિયા માટે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની હાલ કાર્યરત માર્ગદર્શિકાઓમાંથી મળી છે. આ માર્ગદર્શિકાઓની કોપી જોયાનો ઈકોનોમિક ટાઈમ્સ અખબારના અહેવાલમાં દાવો કરાયો છે.
113-પાનાંની આ માર્ગદર્શિકાનો દસ્તાવેજ રાજ્યોને આપવામાં આવ્યો છે. રસીકરણની પ્રક્રિયામાં વ્યક્તિની ઉંમરની ગણતરી 2021ની 1 જાન્યુઆરીની કટ-ઓફ્ફ (નિશ્ચિત) તારીખને આધાર ગણીને કરવામાં આવશે અને 1971ની 1 જાન્યુઆરીએ કે તે પહેલાં જન્મેલી કોઈ પણ વ્યક્તિને આ કેટેગરીમાં સામેલ કરાશે. લાભાર્થીઓએ રસી મૂકાય તે પહેલાં આરોગ્ય મંત્રાલયે ડેવેલપ કરેલા Co-WIN ડિજિટલ પ્લેટફોર્મ પર નામ રજિસ્ટર કરાવવું પડશે. પહેલા તબક્કામાં 30 કરોડ લોકોને રસી અપાશે.