કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન દરમ્યાન કેટલીય જગ્યાએ હિંસા થઈ છે. કૂચબિહારના સિતાલકુચીમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીમાં કેટલાય લોકો ઘાયલ થયા છે. પોલીસે લાઠીચાર્જ કરીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. બૂથ નંબર-285માં મતદાન કેન્દ્રની બહાર બોમ્બ ફેંકવામાં આવ્યા અને ગોળીબાર થયો. મતદાન કેન્દ્રની બહાર ફાયરિંગમાં મતદાન કરવા આવેલા યુવકનું મોત થયું છે. બીજી બાજુ બંગાળ પોલીસે દાવો કર્યો હતો કે કેન્દ્રીય દળોના ફાયરિંગમાં કૂચબિહારમાં ચાર લોકોનાં મોત થયાં છે. સવારે સિતાલકૂચીમાં ઘટના ત્યારે બની, જ્યારે ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) પર મતદાન ક્ષેત્રમાં ઉપદ્રવીઓઓએ QRTના વાહનને નુકસાન પહોંચાડ્યું હતું, જે પછી સુરક્ષા કર્મચારીઓ દ્વારા કેટલાક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું, જેમાં ચાર લોકોનાં મોત થયાં હતા.
ચૂંટણી પંચે આ ઘટનાને લઈને DEO કૂચબિહારથી એક કલાકની અંદર રિપોર્ટ માગ્યો છે. પશ્ચિમ બંગાળના એડિશનલ જનરલ જગમોહને ફોન પર ચાર લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી. CRPFના જવાનોએ ત્યારે ગોળીબાર કર્યો હતો, જ્યારે તેમના પર ગ્રામીણોએ હુમલો કર્યો હતો.
રાજ્યના પાંચ જિલ્લા હાવડા, દક્ષિણ પરગણા, હુગલી, કૂચબિહાર અને અલીપુરદ્વારની કુલ 44 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચોથા તબક્કામાં કુલ 15,940 પોલિંગ બૂથ છે. મતદાન સવારે સાત કલાકથી સાંજે છ સુધી મતદાન થશે. ચોથા તબક્કામાં 373 ઉમેદવારો મેદાનમાં છે અને 1,15,81,022 મતદાતાઓ તેમની રાજકીય કિસ્મતનો નિર્ણય કરશે. અત્યાર સુધી 34 ટકા મતદાન થઈ ચૂક્યું છે.
