લોન ડિફોલ્ટ કેસમાં રોટોમેક પેન્સના માલિક વિક્રમ કોઠારીની ધરપકડ

નવી દિલ્હી – સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના અમલદારોએ રૂ. 3,695 કરોડના રોટોમેક બેન્ક છેતરપીંડી કેસના સંબંધમાં વિક્રમ કોઠારી અને એમના પુત્ર રાહુલ કોઠારીની આજે ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, કથિત બેન્ક ફ્રોડ (લીધેલી લોનની રકમ પરત ન કરવાના) સંબંધમાં સીબીઆઈ અમલદારોએ એજન્સીના દિલ્હી સ્થિત મુખ્યાલયમાં રોટોમેક ગ્લોબલ પ્રા.લિ. કંપનીના માલિક વિક્રમ કોઠારીની પૂછપરછ શરુ કરી હતી. કોઠારીની કંપનીની ઓફિસ તથા નિવાસસ્થાન જ્યાં આવેલા એ કાનપુર શહેરમાં પણ સીબીઆઈ અમલદારોએ કોઠારી પિતા-પુત્રની પૂછપરછ કરી હતી. ત્યારબાદ બંનેને દિલ્હીસ્થિત મુખ્યાલયમાં બોલાવ્યા હતા.

કોઠારી, એમના પત્ની સાધના અને પુત્ર રાહુલ રોટોમેક ગ્લોબલમાં ડાયરેક્ટર્સ છે. એમની પર આરોપ છે કે એમણે બેન્ક પાસેથી લીધેલી લોનના પૈસા પરત ન ચૂકવીને એને અલગ હેતુસર અન્યત્ર ડાઈવર્ટ કર્યા હતા.

એમને સાત બેન્કોએ લોન આપી હતી. એમાંની એક, બેન્ક ઓફ બરોડાએ સીબીઆઈને ફરિયાદ કરી હતી અને કોઠારી સામે એફઆઈઆર નોંધાવી હતી.

બેન્કના સત્તાવાળાઓને ડર હતો કે કોઠારી કદાચ દેશ છોડીને ભાગી જશે.

સીબીઆઈએ ત્યારબાદ 18 ફેબ્રુઆરીએ કેસ નોંધ્યો હતો અને છેલ્લા ચાર દિવસથી તેના અધિકારીઓ કોઠારી પિતા-પુત્રની પૂછપરછ કરી રહ્યા હતા.
.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]