દીપિકાએ ગરદન પરનું ટેટૂ કેમ હટાવ્યું? એની જગ્યાએ બેન્ડેજ શેનો છે? અટકળોને છૂટો દોર

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ ફરી એક અલગ અને ખાસ મુદ્દે ચર્ચામાં આવી છે.

‘પદ્માવત’ ફિલ્મના વિવાદે ઊભો કરેલો ગભરાટ હવે ક્યારનો શમી ગયો છે. એ ફિલ્મે તો દીપિકાને ઘણી પ્રશંસા પણ અપાવી છે અને હવે પોતાની નવી ફિલ્મની તૈયારીમાં પણ એ લાગી ગઈ છે.

પરંતુ, બુધવારે ‘મસ્તાની’ દીપિકા મુંબઈ એરપોર્ટ પર દેખાઈ ત્યારે એનાં શરીર પર કંઈક અજૂગતું નજરે પડતાં એ ચર્ચાનો વિષય બની ગઈ છે.

દીપિકાની ગરદન પર કોઈક પટ્ટી (બેન્ડેજ) લગાડેલી જોવા મળતાં સૌને અચરજ થયું હતું. કેટલાકે એની તસવીર પાડીને સોશિયલ મિડિયા પર મૂકી એ સાથે જ તે વાયરલ થઈ. સાથોસાથ જુદા જુદા પ્રકારની ચર્ચા પણ ચગી છે, તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.

દીપિકાએ ગરદન પર જે જગ્યાએ બેન્ડેજ લગાડ્યું હતું એ જગ્યાએ એણે એક સમયે RK અક્ષરોમાં ટેટૂ ત્રોફાવ્યું હતું. એ ટેટૂને પગલે ત્યારે એવી ચર્ચા ચગી હતી કે RK એટલે રણબીર કપૂર. વાસ્તવમાં, એ વખતે દીપિકા રણબીર સાથે રીલેશનશિપમાં હોવાની અને બેઉ એકબીજાનાં ગળાડૂબ પ્રેમમાં છે, બેઉ લગ્ન કરવાના છે એવી વાતો હતી. આ વાતો કેટલી સાચી હતી એને કોઈ સમર્થન મળ્યું નહોતું.

ત્યારબાદ, એક વખત કોઈક સાબુની જાહેરખબરમાં દીપિકા ચમકી હતી ત્યારે એની ગરદન પરનું એ ટેટૂ ગાયબ થયેલું જણાયું હતું. દીપિકાએ એ ટેટૂ હટાવી દીધું છે એવી ત્યારે ચર્ચા શરૂ થઈ હતી, પણ એ વિશે દીપિકા તરફથી કોઈ સત્તાવાર જાણકારી મળી નહોતી. હવે એ ટેટૂની જગ્યાએ બેન્ડેજ કેમ? એ સવાલનો જવાબ તો દીપિકા જ આપી શકે એમ છે.

બુધવારે, દીપિકા કોઈક કાર્યક્રમમાં ભાગ લેવા માટે નવી દિલ્હી જતી હતી ત્યારે એ મુંબઈ એરપોર્ટ નજરે પડી હતી. એ સામાન્ય ડ્રેસમાં સજ્જ હતી અને પોનીટેલ વાળી હતી. એને લીધે એની ગરદન પરનો બેન્ડેજ સ્પષ્ટપણે નજરે પડ્યો હતો. શું એને એ ભાગે કોઈ ઈજા હતી? કોઈક વળી એમ કહે છે કે એણે તે જગ્યાએ ફરીથી કોઈક ટેટૂ ત્રોફાવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]