વિજય દિવસઃ પાકિસ્તાન પર જીતનાં 50 વર્ષ પૂરાં થયાં

નવી દિલ્હીઃ આજનો દિવસ ભારતીય સૈનિકો માટે ઐતિહાસિક છે. દેશમાં 16 ડિસેમ્બરે વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલોના સ્વાગત સમારોહમાં ભાગ લેશે. ભારતે 1971માં પાકિસ્તાન સામે યુદ્ધમાં જીત મેળવી હતી અને બંગલાદેશના ગઠનને 50 વર્ષ પૂરાં થવા બદલ સ્વર્ણિમ વિજય વર્ષ સમારોહના સ્વરૂપે 16 ડિસેમ્બરે સ્વર્ણિમ વિજય મશાલ પ્રગટાવવામાં આવે છે. ભારતીય સૈનિકોએ 1971ના યુદ્ધમાં મોટા પાયે કુરબાની આપી હતી. આશરે 3900 ભારતીય સૈનિકો વીરગતિ પામ્યા હતા અને 9851 સૈનિકો ઘાયલ થયા હતા. જોકે આ યુદ્ધમાં પાકિસ્તાનનું અભિમાન ચકનાચૂર થયું હતું.

વિજય દિવસે 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર જીત મેળવી હતી. આ યુદ્ધના અંતે પાકિસ્તાનના 93,000 સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું. આ યુદ્ધમાં પૂર્વ પાકિસ્તાન સ્વતંત્ર થયું હતું, જે આજે બંગલાદેશ તરીકે ઓળખાય છે.

પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ AAK નિયાઝીએ ભારતના પૂર્વ સેનાના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ જગજિત સિંહ અરોડાની સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. 16 ડિસેમ્બરે સાંજે જનરલ નિયાઝીએ આત્મસમર્પણ કાગળો પર હસ્તાક્ષર કર્યા હતા. એ યુદ્ધ ભારત જીત્યું હતું. એ પછી દર વર્ષે ભારતમાં 16 ડિસેમ્બરે વિજય દિવસ ઊજવવામાં આવે છે.