મુંબઈઃ NIA કોર્ટે મુંબઈ પોલીસના ભૂતપૂર્વ અધિકારી સચિન વાઝેનો મેડિકલ રિપોર્ટ માગ્યો છે. સચિન વાઝેના વકીલે કોર્ટમાં અરજી આપી હતી કે તેમને છાતીમાં દર્દ અને હાર્ટ બ્લોકેજની સમસ્યા છે. એ પછી કોર્ટે મેડિકલ રિપોર્ટ માગ્યો છે. સચિન વાઝે એન્ટિલિયા કેસ અને મનસુખ હિરેન હત્યા કેસમાં મુખ્ય આરોપી છે. NIAએ 13 માર્ચે તેની ધરપકડ કરી હતી. શનિવારે તેની કસ્ટડી પૂરી થઈ રહી છે.
સચિન વાઝેના વકીલ રોનક નાઇકે કોર્ટમાં અરજી કરી છે, જેમાં તેણે કહ્યું છે કે સચિન વાઝેને છાતીમાં દુખાવાની સાથે હાર્ટમાં 90 ટકા બ્લોકેજ પણ છે. એટલે વાઝેને કાર્ડિયોલોજિસ્ટ પાસે તપાસ માટે લઈ જવા જોઈએ, જેથી તેમની મેડિકલ ટ્રીટમેન્ટ કોર્સ શરૂ થઈ શકે. કોર્ટ વાઝેનો મેડિકલ રિપોર્ટ ત્યારે જોશે, જ્યારે વાઝેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
NIAએ સચિન વાઝેની સામે અનલોફુલ એક્ટિવિટિઝ (પ્રિવેન્શન) એક્ટ એટલે કે UAPAની કેટલીક કલમો લગાવી છે. હવે NIAને વાઝેની 30 દિવસની કસ્ટડી માગવાનો અધિકાર મળી જાય છે, જ્યારે IPCની કલમોમાં માત્ર 14 દિવસ માટે કસ્ટડી મળે છે. આ સિવાય UAPA હેઠળ તપાસ એજન્સી 180 દિવસમાં ચાર્જશીટ દાખલ કરે એવી શક્યતા છે, પણ IPCમાં એ સમયમર્યાદા 90 દિવસની છે.