મુંબઈઃ કેન્દ્ર સરકારની બે મુખ્ય એજન્સીએ કબૂલ કર્યું છે કે છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયમાં ભારતમાં એક અબજથી પણ વધારે લોકોને જે કોવિડ-19 રસીઓનાં ડોઝ આપવામાં આવ્યા છે એની ઘણા પ્રકારની આડઅસરો થાય છે.
‘ફ્રીપ્રેસ જર્નલ’ દૈનિકના અહેવાલ અનુસાર, આ ચોંકાવનારી કબૂલાત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ) દ્વારા પુણેના એક ઉદ્યોગપતિ પ્રફુલ સાર્ડાએ કરેલી આરટીઆઈ (રાઈટ ટુ ઈન્ફોર્મેશન) અરજીના જવાબમાં કરવામાં આવી છે. ‘શું આ રસીઓનાં ડોઝની આડઅસરો થાય છે?’ એવા સાર્ડાએ પૂછેલા સવાલના જવાબમાં આઈસીએમઆરના ડો. એલ.એસ. જ્યોર્જ અને સીડીએસસીઓના સુશાંત સરકારે આ તમામ રસીઓ લેવાથી થઈ શકતી અસરોનો ઉલ્લેખ કર્યો છે, જે FAQs (ઘણી વાર પૂછાતા પ્રશ્નોની યાદી)માં સમાવેશ કરવામાં આવ્યો છે.
સૌથી વધારે આડઅસર કોવિશીલ્ડ રસીથી થાય છે, જેમ કે ઈન્જેક્શન લીધું હોય એ જગ્યાએ દુખાવો રહે, ઈન્જેક્શનવાળી જગ્યાએ લાલ ફોડલીઓ થાય કે ઉઝરડા પડી જાય, કોઈ પણ કારણ વગર ઉલટી થાય, પેટમાં અતિશય અથવા સતત દુખાવો થાય, ઉલટી થયા વગર માથું દુખે, શ્વાસ લેવામાં તકલીફ થાય, છાતીમાં દુખે, અવયવોમાં પીડા થાય કે પગની પીંડી કે હાથમાં સોજો ચડે, શરીરના કોઈ ચોક્કસ ભાગમાં નબળાઈ લાગે કે પેરેલિસિસ જેવું લાગે, આંખોમાં દુખે, ધુંધળું દેખાય.
કોવેક્સિનથી ઈન્જેક્શનવાળી જગ્યાએ દુખાવો થાય કે સોજો થાય, માથું દુખે, થાક લાગે, તાવ આવે, શરીર દુખે, પેટમાં દુખાવો થાય, ઉબકા આવે, બેચેની લાગે, ચક્કર આવે, શરદી-ઉધરસ થાય.
સ્પુટનિક-વી રસીથી શરીરમાં ઠંડી જેવું લાગે, તાવ આવે, સંધિવાની પીડા થાય, માંસપેશીઓમાં પીડા થાય, માથું દુખે, બેચેની લાગે, ઈન્જેક્શનવાળી જગ્યાએ દુખાવો થાય અથવા સોજો આવે, ઉબકા આવે, ભૂખ ઘટી જા, અપચો થાય, શરીરમાં અશક્તિ જેવું લાગે છે.
સરકારે દેશમાં જનતાના ઘણા ખરા લોકોને મફતમાં રસીઓ આપી હતી. બે-ડોઝવાળા રસીકરણની ઝુંબેશ 2022ના ઓગસ્ટમાં સમાપ્ત થઈ હતી. સરકારે કોવિશીલ્ડ અને કોવેક્સિન રસીઓના વેચાણને અમુક શરતો સાથે મંજૂરી આપી હતી. સ્પુટનિક-વી અને કોર્બીવેક્સ રસીઓને માત્ર ઈમર્જન્સી ઉપયોગ પૂરતી જ પરવાનગી આપી હતી.