EDIIએ વાર્ષિક સ્ટાર્ટઅપ સમિટ ‘એમ્પ્રેસરિયો’નું આયોજન કર્યું

અમદાવાદઃ આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઇ-EDII)એ સોમવારે એના વાર્ષિક આંતરપ્રિન્યોરશિપ ફેસ્ટિવલ એમ્પ્રેસરિયોનું આયોજન રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસે કર્યું હતું. આ ફેસ્ટિવલનું ઉદઘાટન હર્ષ સંઘવી, રાજ્ય કક્ષાના માનનીય ગૃહ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી (રાજ્ય કક્ષાના) ; રમતગમત, યુવા સેવા (સ્વતંત્ર હવાલો), રાજ્ય સરકારે કર્યું હતું. આ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા અન્ય મહાનુભાવોમાં  રાજીવ ગાંધી, કો-ચેર-ફિક્કી, ગુજરાત સ્ટેટ કાઉન્સિલ અને પ્રોફેસર દીપક કુમાર પાંડે-આસિસ્ટન્ટ ડાયરેક્ટર, ઉચ્ચ શિક્ષણ વિભાગ-ઉત્તરાખંડ સરકાર સામેલ હતા.

આ બે દિવસનો ફેસ્ટિવલ (16 અને 17 જાન્યુઆરી, 2023) યોજાશે, જેમાં ઉદ્યોગના પીઢ આગેવાનો માસ્ટર ક્લાસ લેશે, સફળ સ્ટાર્ટઅપ સ્થાપકો સંવાદ કરશે, ચર્ચાવિચારણા કરશે અને સ્ટાર્ટઅપ એવોર્ડ એનાયત થશે. આ સમિટમાં બિગ પિચ ઇવેન્ટ પણ સામેલ હશે, જેમાં 30 સ્ટાર્ટઅપ તેમનાં ઉત્પાદનો અને સેવાઓ 15 રોકાણકારોની પેનલ સમક્ષ રજૂ કરશે, જેનો ઉદ્દેશ તેમની પાસેથી ફંડ મેળવવાનો છે. ચાલુ વર્ષના ફેસ્ટિવલની થીમ છે – ઉદ્યોગસાહસિકતા અને સસ્ટેઇનેબિલિટી. નોંધપાત્ર બાબત એ છે કે બે દિવસના ફેસ્ટિવલમાં લોકપ્રિય રિયાલિટી શો ‘શાર્ક ટેંક ઇન્ડિયા’માં સ્ટાર્ટઅપ્સ સામેલ થશે.

આ ફેસ્ટિવલના ઉદઘાટન સમારંભમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાત સક્રિય મર્જર નીતિઓ, મજબૂત સંસ્થાગત માળખા અને ખાનગી ક્ષેત્રની સતત વધતી ભાગીદારી મારફતે દેશમાં સૌથી વધુ પ્રગતિશીલ સ્ટાર્ટઅપ સ્થાનો પૈકીનું એક બનવા અગ્રેસર છે. ‘સ્ટેન્ડ અપ ઇન્ડિયા’ અને ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ યોજનાઓ વર્ષ 2016માં શરૂ થઈ હતી અને પછી અત્યાર સુધી 80,000થી વધારે સ્ટાર્ટઅપની નોંધણી થઈ છે તથા આશરે 100 યુનિકોર્ન અસ્તિત્વમાં આવ્યાં છે. વધારે ખુશીની બાબત એ છે કે 48 ટકાથી વધારે સ્ટાર્ટઅપ મહિલાઓના છે.

‘એમ્પ્રેસરિયો’ વિશે EDIIના ડાયરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લાએ કહ્યું હતું કે EDIIની સ્ટાર્ટઅપ સમિટ ભારતમાં સૌથી વધુ વિશિષ્ટ આંતરપ્રિન્યોરિયલ ફેસ્ટિવલ્સ પૈકીનો એક છે. વર્ષ 2012માં એની શરૂઆત થયા પછી અત્યાર સુધી ‘એમ્પ્રેસરિયો’માં 1000થી વધારે સ્ટાર્ટઅપની ભાગીદારી જોવા મળી છે. આ વિચારનું સર્જન, રોજગારીની તકોનું સર્જન અને અસાધારણ બાબતો શીખવા માટેનો ફેસ્ટિવલ છે. ડો. શુક્લાએ સ્ટાર્ટઅપ્સની સફળતામાં ટેકનોલોજી અને ઇનોવેશનની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

તેમણે જાહેરાત કરી હતી કે EDIIનું ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર – સેન્ટર ફોર એડવાન્સિંગ એન્ડ લોંચિંગ એન્ટરપ્રાઇઝીસ (ક્રેડલ)એ અત્યાર સુધી 106 સ્ટાર્ટઅપનું ઇન્ક્યુબેશન કર્યું છે, જેણે રૂ. 30 કરોડથી વધારેનું ફંડિંગ ઊભું કર્યું છે. તાજેતરમાં ડેવલપમેન્ટ પર તેમણે કહ્યું હતું કે EDII હવે અટલ ઇનોવેશન મિશન (AIM) અંતર્ગત નીતિ આયોગ દ્વારા માન્યતાપ્રાપ્ત વધુ એક ઇન્ક્યુબેશન સેન્ટર ધરાવીશું. EDIIએ દેશમાં ઉદ્યોગસાહસિક સાહસો અને સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધારવા કેટલાંક કોર્પોરેટ સાથે CSR પ્રોજેક્ટ સાથે પણ જોડાણ કર્યું છે.

ગુજરાત સ્ટેટ કાઉન્સિલના રાજીવ ગાંધી, કો-ચેર-ફિક્કીએ કહ્યું હતું કે ‘એમ્પ્રેસરિયો’ મોટું નેટવર્કિંગ પ્લેટફોર્મ છે અને નેટવર્કિંગ નવા માપદંડો ઊભા કરવા, તકોનું સર્જન કરવા અને જાણકારી વધારવા માટે મોટો ફરક પેદા કરે છે.  બે દિવસના ફેસ્ટિવલમાં અનેક પ્રસિદ્ધ વક્તાઓ સંબોધશે.