અમદાવાદઃ વર્ષ ૨૦૨૭માં ભારત-જાપાન રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે ગુજરાત અને જાપાન સંસ્કૃતિ, વેપાર અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધોમાં સહયોગ વધુ મજબૂત કરવા માટે તૈયાર છે.
જાપાન ખાતેના ભારતીય રાજદૂત નગ્મા મલિક સાથે શુભેચ્છા મુલાકાતગુજરાત અને જાપાન વચ્ચેના રાજદ્વારી, સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશથી અમદાવાદ સ્થિત જાપાનના માનદ કોન્સલ મુકેશ પટેલે ઓક્ટોબર, ૨૦૨૬માં, જાપાનનો એક મહત્વપૂર્ણ સાત દિવસનો પ્રવાસ ખેડ્યો હતો. ભારતમાં જાપાનના માનદ કોન્સલ તરીકેની આ ભૂમિકા નિભાવનાર પ્રથમ વ્યક્તિ એવા મુકેશ પટેલના આ પ્રવાસે વર્ષ ૨૦૨૭માં ભારત અને જાપાન વચ્ચેના રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી માટેના રોડમેપનો મજબૂત પાયો નાખ્યો છે. આ ઐતિહાસિક મિશન દરમિયાન તેમણે ટોક્યો, શિઝુઓકા, હામામાત્સુ, હ્યોગો, કોબે અને ફુકુઓકા પ્રમુખ શહેરોની મુલાકાત લઈને જાપાનના ટોચના નેતાઓ, રાજદ્વારીઓ અને અગ્રણીઓ સાથે ફળદાયી બેઠકો યોજી હતી. જેનો ઉદ્દેશ ગુજરાત-જાપાનના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો અને ભવિષ્યના સહયોગને આગળ ધપાવવાનો હતો.

પ્રવાસની શરૂઆત કરતા તેમણે તેમના ૩૦ મહિનાના કાર્યકાળની સમીક્ષા રજૂ કરી હતી અને ટોક્યો ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ કર્યો હતો. ઓસાકા ખાતે ‘મેક ઇન ઇન્ડિયા’ સેમિનારમાં અમદાવાદના માનદ કોન્સલ શ્રી મૂકેશ પટેલે ગુજરાતમાં રોકાણની તકો પર મુખ્ય પ્રવચન આપ્યું હતું. ઓસાકા-કોબે ખાતેના ભારતીય કોન્સલ જનરલ ચંદ્રુ અપ્પર સાથે મુલાકાત દરમિયાન પટેલે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૭ પર વિશેષ ભાર મૂક્યો હતો.






