આવતા મહિનાથી 12-17 વયનાં બાળકોને રસીનો પ્રારંભ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ઓક્ટોબર-નવેમ્બરમાં 12થી 17 વર્ષનાં બાળકોને કોવિડ રસીકરણનો પ્રારંભ કરવા ઇચ્છે છે. જાડાપણું, હ્દયની બીમારીઓ સહિત અન્ય ગંભીર બીમારીઓથી ઝઝૂમી રહેલાં બાળકોને પહેલાં રસી આપવામાં આવશે. પહેલા રાઉન્ડમાં આશરે 20-30 લાખ બાળકોને કવર કરવામાં આવશે. કેન્દ્રનું એ આયોજન છે કે ઝાયડસ કેડિલાની ડીએનએ રસી ઝાયકોવ-ડીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ઝાયકોવ-ડી એકમાત્ર રસી છે, જેને દેશમાં બાળકોને ઇમર્જન્સીના ઉપયોગને મંજૂરી મળી છે.

અમે ઝાયડસના સપ્લાય શરૂ થવાની રાહ જોઈ રહ્યા છીએ. એક વાર સપ્લાય શરૂ થશે, પણ અમે બાળકોને રસીકરણ શરૂ કરીશું.આ વર્ષે જેમને કો-મોર્બિડિટીઝ છે, તેમને જ રસીનો ડોઝ લાગશે.બાકીના બાળકોને આવતા વર્ષના પહેલા ત્રિમાસિકમાં રસી લગાવવાની શરૂ થશે, એમ અધિકારીએ કહ્યું હતું.

પહેલી ખેપમાં ઝાયડસ આશરે 40 લાખ ડોઝ સપ્લાય કરશે. એ પછી પ્રત્યેક મહિને એક કરોડ ડોઝ સપ્લાય થશે. સરકારને આશા છે કે ઝાયડસ ડિસેમ્બર સુધી આશરે ચાર-પાંચ કરોડ ડોઝ સપ્લાય કરશે. ઝાયકોવ-ડી ત્રણ ડોઝવાળી રસી છે. સરકાર આગામી માર્ચ સુધીમાં બાકીના બાળકોને રસી આપવાનું શરૂ કરી દેશે.

ભારત બાયોટેકની કોવાક્સિનને પણ બાળકો પર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એના ક્લિનિકલ ટ્રાયલ્સ પૂરી થવામાં છે. એક વાર કોવાક્સિનને બાળકો પર ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી જાય તો એને બે વર્ષથી વધુ વયનાં બાળકોને રસી આપી શકાશે. દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરનાં આશરે 44 કરોડ બાળકો છે, જેમાં 12-17ની વયના આશરે 12 કરોડ બાળકો છે.