50-વર્ષથી ઉપરની વયનાઓનું કોરોના રસીકરણ માર્ચથી શરૂ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને જણાવ્યું છે કે ભારતની કોરોના વાઈરસ રસીકરણ ઝુંબેશ અંતર્ગત હવે પછીના તબક્કામાં દેશના 50-વર્ષથી વધુની વયનાં નાગરિકોને માર્ચ મહિનાથી રસી આપવાનું કામકાજ શરૂ કરાશે. 50-વર્ષથી વધુની વયના લોકોના રસીકરણનો ખર્ચ કેવી રીતે ચૂકવવો એ વિશે રસીકરણ અંગેના નિષ્ણાતો ચર્ચા કરશે. રસીકરણ ઝુંબેશમાં ખાનગી હેલ્થકેર સુવિધાઓ અને કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. રસીના ઈમરજન્સી ઉપયોગ માટે અપાયેલી સત્તામાં ખુલ્લી બજારોમાં રસીના વેચાણને સામેલ કરાયું નથી.

ડો. હર્ષવર્ધને કહ્યું કે છેલ્લા સાત દિવસમાં દેશના 188 જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા નથી. રસીકરણ ઝુંબેશ ગઈ 16 જાન્યુઆરીથી શરૂ કરાઈ હતી. અત્યાર સુધીમાં 80-85% આરોગ્યકર્મીઓ, મોખરાના સેવાકર્મીઓને રસીના બંને ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. તે ઉપરાંત ભારતે 20-25 દેશોને પણ રસી પહોંચાડી છે. હજી 18-20 રસીઓ પર અજમાયશો ચાલુ છે. કોરોના રસી અપાવાને લીધે દેશમાં એક પણ જણનું મરણ થયું નથી.