કન્નોજઃ ઉત્તર પ્રદેશના કન્નૌજમાં શુક્રવારે ફર્રુખાબાદથી જયપુર જઈ રહેલી સ્લીપર બસમાં ટ્રકે સામેથી જોરદાર ટક્કર મારી દેતા ભીષણ અકસ્માત સર્જાયો. જેનાથી ટ્રક અને બસમાં જોરદાર વિસ્ફોટ થયો અને આગ લાગી. આ અકસ્માતમાં 21 લોકો જીવતા ભૂંજાઈ ગયાં. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે કન્નૌજના ડીએમ અને એસપીને ઘાયલ મુસાફરોના ઉપચાર માટે દરેક શક્ય પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને આ અકસ્માત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં થયેલા ભીષણ રોડ અકસ્માત અંગે જાણીને અત્યંત દુ:ખ થયું. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યાં. હું મૃતકોના પરિજનો પ્રત્યે મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું અને સાથે જ ઘાયલો જલદી સાજા થાય તેવી કામના કરું છું.
પ્રાપ્ત વિગતો અનુસાર, બસમાં લગભગ 45 લોકો સવાર હતાં આ અકસ્માતમાં બસમાં લાગેલી આગમાં 21 લોકો માર્યા ગયાં. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે તિર્વા મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અહીં તેમની સારવાર ચાલુ છે.
અકસ્માત બાદ ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે મીડિયાને કહ્યું કે રાહત અને બચાવ કાર્યના નિર્દેશ આપ્યા છે. અકસ્માત ખુબ જ દુ:ખદ છે. શક્ય તમામ મદદના પ્રયત્નો થઈ રહ્યાં છે. અમારી પ્રથમ પ્રાથમિકતા લોકોને બચાવવાની હતી. બસમાં આગ સંપૂર્ણ રીતે કાબુમાં લેવાઈ છે. ભીષણ આગમાં બળી ચૂકેલા મૃતદેહોની ઓળખ ચાલુ છે. આ માટે ડીએનએ ટેસ્ટની મદદ લેવાશે. તપાસ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. જ્યારે ફોરેન્સિક ટીમને પણ મોકલવામાં આવી છે.
યુપી ડીજીપી ઓ પી સિંહે જણાવ્યું કે બસ-ટ્રકમાંથી કોઈ એકમાં જ્વલનશીલ પદાર્થ હતો જેના કારણે વિસ્ફોટ સાથે આગ લાગી. કાનપુર એડીજી જોન પ્રેમપ્રકાશને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ છિબરામઉથી 5 કિમી આગળ જીટી રોડ પર ગ્રામ ધિલોઈ પાસે ધુમ્મસના કારણે આ ભયાનક અકસ્માત થયો. ભીડંતથી ટ્રકની ડીઝલ ટેંક ફાટી ગઈ અને આગ લાગી. જેણે બસને પણ તેની ચપેટમાં લીધી. થોડીવારમાં બસ આગનો ગોળો બની ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્લીપર બસમાં ફસાયેલા મુસાફરોને બહાર નીકળવાની તક સુદ્ધા ન મળી. લગભગ ડઝન જેટલા મુસાફરોએ યેનકેન પ્રકારે કૂદીને પોતાનો જીવ બચાવ્યો.