ન્યુ યોર્કઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી વિરુદ્ધના લાંચ કેસમાં US સિક્યોરિટીઝ (SEC) એન્ડ એક્સચેન્જ કમિશને સમન્સ પાઠવ્યા છે. કમિશને કુલ આઠ લોકોને આરોપી બનાવ્યા છે. સૌર ઊર્જા સંબંધિત પ્રોજેક્ટનો કોન્ટ્રેક્ટ મેળવવા 26.5 કરોડ US ડોલર (2200 કરોડ રૂપિયા)ની લાંચ આપવાના આરોપ મુદ્દે અમેરિકન ઓથોરિટીએ ગૌતમ અદાણી અને સાગર અદાણીને તેમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. કમિશને ગૌતમ અદાણીના અમદાવાદમાં આવેલા શાંતિવન ફાર્મ નિવાસસ્થાન અને તેમના ભત્રીજા સાગરને બોડકદેવના નિવાસસ્થાને સમન્સ પાઠવીને 21 દિવસમાં જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે.
ન્યુ યોર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે 21 નવેમ્બરે નોટિસ મોકલીને કહ્યું છે કે હવે પછી તમને સમન્સ મળે તો 21 દિવસમાં (જે દિવસે સમન્સ મળ્યું, તે દિવસ છોડીને), જો તમને વાદી (US સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન) સામે ફરિયાદ હોય તો તેનો જવાબ તમારે US ફેડરલના નિયમ 12 પ્રમાણે રજૂ કરવાનો રહેશે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે જવાબ આપવામાં નિષ્ફળ રહેશો તો ફરિયાદમાં માગવામાં આવેલી રાહત માટે તમારી વિરુદ્ધ ડિફોલ્ટ રીતે નિર્ણય લેવામાં આવશે. તમારે તમારો જવાબ કે પ્રસ્તાવ પણ કોર્ટમાં જ દાખલ કરવો પડશે.
બીજી તરફ અદાણી ગ્રુપના CFO જુગેન્દર સિંહે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે અદાણી ગ્રુપની કોઈ કંપની પર એક સીધો આરોપ નથી. આ કેસની તપાસ જારી છે અને ગ્રુપની તરફથી આ બાબતે સત્તાવાર પ્રતિક્રિયા ઉચિત સમયે આપવામાં આવશે.