કર્ણાટકમાં આજે મતદાનનો દિવસઃ મતાધિકાર હાંસલ કરવાની PMની અપીલ

બેંગલુરુઃ 224-બેઠકોવાળી નવી, 16મી કર્ણાટક રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે સલામતીના કડક બંદોબસ્ત વચ્ચે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે રસાકસીભર્યો જંગ છે.

શાસક ભારતીય જનતા પાર્ટી સાદી બહુમતી પ્રાપ્ત કરીને રાજ્યમાં ચૂંટણી ઈતિહાસ સર્જવાની આશા ધરાવે છે. 2008ની ચૂંટણીમાં ભાજપે 110 સીટ જીતી હતી જ્યારે 2018ની ચૂંટણીમાં 104 સીટ જીતી હતી.

બીજી બાજુ, કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં સત્તા ફરી કબજે કરવા પ્રયત્નશીલ છે. આ રાજ્યના મતદારોએ છેલ્લા 38 વર્ષમાં કોઈ પણ સરકારને બીજી વાર ચૂંટી નથી. છેક 1985માં રામકૃષ્ણ હેગડેની આગેવાની હેઠળ જનતા પાર્ટીની સરકારે સતત બે વાર ચૂંટણી જીતી હતી. કર્ણાટકમાં છેલ્લા પાંચ વર્ષમાં (2018-2023 દરમિયાન) ત્રણ મુખ્ય પ્રધાનો ફરજ બજાવી ગયા છે. કુમારસ્વામી (જનતા દળ સેક્યૂલર), યેડીયુરપ્પા અને બસવરાજ બોમ્માઈ ભાજપના.

આ વખતની ચૂંટણીમાં ભાજપ સામે હરીફાઈમાં કોંગ્રેસ, જનતા દળ (સેક્યૂલર) છે. રાજ્યમાં 58,545 પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.. કુલ 5.30 કરોડ મતદારો છે, જેમાં 2.63 કરોડ મહિલાઓ છે.

દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના લોકોને અપીલ કરી છે કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકશાહીના આ પર્વનો આનંદ ઉઠાવે. મોદીએ ખાસ કરીને પહેલી વાર મતદાન કરનાર યુવા વ્યક્તિઓને ખાસ અપીલ કરી છે.