નવી દિલ્હીઃ દેશમાં વંદે ભારત ટ્રેનોની માગ વધી રહી છે. એની અસરથી ફલાઇટના ભાડા 20થી 30 ટકા ઘટી ગયા છે. આ ટ્રેનોના સતત વધતા નેટવર્કથી એર ટ્રાફિકમાં અસર જોવા મળી છે. મધ્ય રેલવેના એકત્ર ડેટામાંથી આ વાત માલૂમ પડે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વંદે ભારત ટ્રેનોના લોન્ચિંગ પછી એર ટ્રાફિકમાં 10-20 ટકા અને ફ્લાઇટના ભાડામાં પણ 20-30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. દેશના 34 રૂટો પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સેવા આપી રહી છે. રેલવે સતત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં પેસેન્જર્સ વધારવાની કવાયતમાં લાગેલી છે.
31-45 વર્ષના યાત્રીઓ સૌથી વધુ
મધ્ય રેલવેના ચાર રૂટ પર હાલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ચાલી રહી છે. હાલમાં મુંબઈથી શિરડી, ગોવા અને સોલાપુર જતા પેસેન્જર્સના એકત્ર કરેલા આંકડાઓથી માલૂમ પડે છે કે 15 સપ્ટેમ્બરથી માંડીને 13 ઓક્ટોબરની વચ્ચે કુલ 85,600 પુરુષ, 57,838 મહિલા અને 26 ટ્રાન્સજેન્ડરોએ આ ટ્રેનથી પ્રવાસ કર્યો હતો. મુંબઈથી શરૂ થતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રવાસ કરનારા યાત્રીઓમાં 31થી 45 વર્ષની વચ્ચેના યાત્રીઓ સૌથી વધુ હતા. ત્યાર બાદ 15થી 30 વર્ષની વયના યાત્રીઓએ સૌથી વધુ યાત્રા કરી હતી.
સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ટૂંક સમયમાં
રેલવે હવે લાંબા અંતર માટે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો લોન્ચ કરવાની છે, નવી સ્લીપર વંદે ભારત એક્સપ્રેસના કોચના ફોટો હાલમાં જ બહાર પડ્યા છે. આ ટ્રેનો આગામી વર્ષે આવે એવી શક્યતા છે.