કોરોનાને કારણે UP બોર્ડની હાઇસ્કૂલની પરીક્ષાઓ રદ

લખનઉઃ યુપી હાઇ સ્કૂલની 10મા ધોરણની પરીક્ષાઓ કોરોનાને કારણે રદ કરવામાં આવી છે, જ્યારે 12ના ધોરણની પરીક્ષા પર જુલાઈમાં નિર્ણય લેવામાં આવશે. યુપી સરકારે નિર્ણય લીધો હતો કે સ્થિતિ ઠીક થઈ તો ઇન્ટરના બોર્ડની પરીક્ષા જુલાઈના બીજા સપ્તાહમાં થશે. આ પ્રકારે છઠ્ઠા ધોરણથી ધોરણ 11 સુધીનાં બાળકોને વિના પરીક્ષાએ આગલા ધોરણમાં પ્રમોટ કરી દેવામાં આવશે. જેથી 10માની પરીક્ષા આપ્યા વિના 29 લાખ વિદ્યાર્થીઓ પ્રમોટ થશે. જોકે ઇન્ટરની પરીક્ષા થઈ તો તેઓ માત્ર દોઢ કલાક થશે અથવા માત્ર ત્રણ સવાલોનો જવાબ આપવાનો રહેશે. યુપીમાં કોરોના વાઇરસના કેસોમાં ઘટાડા વચ્ચે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સરકારે આ નિર્ણય લીધો છે.

સરકાર કોરોના કેસમાં ઘટાડા છતાં બાળકોને મામલે કોઈ જોખમ નથી લેવા ઇચ્છતી. નિષ્ણાતોએ પહેલેથી એ આશંકા દર્શાવી છે કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શક્યતા છે.

કોરોના વાઇરસને કારણે પરીક્ષા પહેલાથી નિયત તારીખ પર થઈ નહીં શકે. CBSEએ પહેલાં જ 10માના બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે, જ્યારે 12 ધોરણની પરીક્ષાઓને લઈને હજી કોઈ નિર્ણય થઈ નથી શક્યો. CBSEની પરીક્ષાઓને લઈને મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.