અમિત શાહે આસામ-મિઝોરમના મુખ્યપ્રધાનોને શાંતિ જાળવવા કહ્યું

નવી દિલ્હીઃ ઈશાન ભારતના બે રાજ્યો – આસામ અને મિઝોરમમાં પોલીસો વચ્ચે હિંસક અથડામણ થતાં સરહદ રક્તરંજિત થઈ છે. આસામના પાંચ પોલીસ જવાનને ઠાર મારવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગઈ કાલે આસામના મુખ્ય પ્રધાન હિમંત બિશ્વ સર્મા અને મિઝોરમના મુખ્ય પ્રધાન ઝોરમથાંગાને ફોન કર્યો હતો તથા શાંતિ જાળવવા અને લોકોનું રક્ષણ કરવાની એમને વિનંતી કરી હતી. આસામ અને મિઝોરમ વચ્ચે સરહદની વહેંચણીના મુદ્દે 140 વર્ષ જૂનો વિવાદ ચાલે છે.

આસામના મુખ્ય પ્રધાન સર્માએ કહ્યું કે રાજ્યના વનવિસ્તારના રક્ષણ માટે પોતે સુપ્રીમ કોર્ટમાં કેસ કરશે અને મિઝોરમ સાથેની સરહદ પર 4,000 જવાનો સાથે ત્રણ કમાન્ડો બટાલિયન તૈનાત કરશે. કેન્દ્ર સરકારે બંને રાજ્યના પોલીસ અધિકારીઓ તથા મુખ્ય સચિવોને ચર્ચા કરવા માટે આજે નવી દિલ્હી બોલાવ્યા છે. આ બેઠકનું અધ્યક્ષપદ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા સંભાળશે. આસામમાં ભાજપની સરકાર છે જ્યારે મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) પાર્ટીની સરકાર છે. આ પાર્ટીને ભાજપનો ટેકો છે, પરંતુ મુખ્ય પ્રધાન ઝોરમથાંગાને ભાજપ સાથે સંબંધ બગડ્યા છે.

(ડાબે) મિઝોરમના CM ઝોરમથાંગા, (જમણે) આસામના CM હિમંત બિશ્વ સર્મા