બાળકો માટે ઈસ્યૂ કરાતા ‘બાલ-આધાર-કાર્ડ’ વિશે જાણી-લો

નવી દિલ્હીઃ ભારતના દરેક રહેવાસીને ભારત સરકાર દ્વારા 12-આંકડાનો એક વિશિષ્ટ ઓળખ નંબર આપે છે, જેને ‘આધાર’ નામ આપવામાં આવ્યું છે. ‘આધાર કાર્ડ’ માટે અરજી કરવા માટે કોઈ વયમર્યાદા રખાઈ નથી. નવજાત બાળકો પણ એમનું પોતાનું ‘આધાર કાર્ડ’ પ્રાપ્ત કરી શકે છે. આધાર કાર્ડ માટે રચાયેલી સંસ્થા યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) તરફથી જણાવાયું છે કે ‘બાલ આધાર કાર્ડ’ માટે અરજી કરવા માટે બાળકનું બર્થ સર્ટિફિકેટ અથવા હોસ્પિટલમાંથી અપાયેલી ડિસ્ચાર્જ ચિઠ્ઠી સાથે બાળકનાં માતા-પિતામાંથી કોઈ પણ એકના આધાર કાર્ડની કોપી જોડવી પર્યાપ્ત છે.

‘બાલ આધાર’ બ્લૂ રંગનું સ્ટાન્ડર્ડ આધાર કાર્ડ છે. તે ખાસ પાંચ વર્ષથી નીચેની વયનાં બાળકો માટે ઈસ્યૂ કરાય છે. બાલ આધાર કાર્ડ માટે બાળકની કોઈ બાયોમેટ્રિક વિગત જરૂરી હોતી નથી. જ્યારે તેઓ પાંચ વર્ષની વયનાં થાય ત્યારે બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત બને છે. અરજી કરવા માટે UIDAI વેબસાઈટ પર જવું. ત્યાં આધાર કાર્ડ રજિસ્ટ્રેશન ઓપ્શન સિલેક્ટ કરવું. બાળકનું નામ, બાયોમેટ્રિક માહિતી, રહેઠાણ સરનામું વગેરે વિગતો ભરવી. રજિસ્ટ્રેશન માટે સમય નિશ્ચિત કરવા અપોઈન્ટમેન્ટ પર ક્લિક કરવું. તે પછી તમારું એનરોલમેન્ટ કેન્દ્ર પસંદ કરવું, અપોઈન્ટમેન્ટની તારીખ પસંદ કરવી. ત્યાં જતી વખતે જરૂરી દસ્તાવેજો સાથે લઈ જવા. ‘બાલ આધાર’ કાર્ડ 90 દિવસમાં મળી જાય છે.