મિઝોરમમાં નિર્માણાધીન પૂલ તૂટ્યોઃ 17 લોકોનાં મોત

નવી દિલ્હીઃ મિઝોરમમાં એક નિર્માણાધીન રેલવે બ્રિજ તૂટી પડતાં ઓછામાં ઓછા 17 કામદારોનાં મોત થયાં છે. આ દુર્ઘટનાસ્થળે કેટલાય લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે અને તેમને બચાવવાના પ્રયાસ જારી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પૂલ તૂટવાના સમયે 35થી 40 કામદારો હાજર હતા. મૃતકોની સંખ્યામાં ઓર વધારો થવાની શક્યતા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજધાની આઇઝોલથી 21 કિમી દૂર સૈરાંગમાં સવારે 10 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ બ્રિજથી રેલવે ટ્રાફિક ચાલુ થયા પછી મિઝોરમ દેશના વિશાળ રેલવે નેટવર્કથી જોડાઈ જશે. વડા પ્રધાન મોદીએ આ પૂલ તૂટવાથી થયેલા મજૂરોનાં મોત મામલે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે રૂ. બે લાખના વળતરની અને ઘાયલ થયેલાઓ માટે રૂ. 50,000ના વળતરની જાહેરાત કરી હતી. મિઝોરમના મુખ્ય પ્રધાન ઝોરામથાંગાએ પણ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં ઘાયલોના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.

આ ઘટના સમયે બ્રિજ પર 35થી 40 મજૂરો કામ કરી રહ્યા હતા. બૈરાબીને સાયરાંગથી જોડતી કુરુંગ નદી પર આ પૂલ બનાવવામાં આવી રહ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા રાહત-બચાવ કાર્ય ચલાવી રહ્યું છે.

આ બ્રિજમાં કુલ ચાર પિલર છે. જેમાં ત્રીજા અને ચોથા થાંભલાની વચ્ચેનો ગાર્ડર નીચે પડી ગયો છે. આ ગાર્ડર પર તમામ મજૂરો કામ કરતા હતા. જમીનથી પૂલની ઊંચાઈ 104 મીટર એટલે કે 341 ફૂટ છે. એટલે કે પૂલની ઊંચાઈ કુતુબમિનાર કરતાં વધુ છે.