ભારત સહિત વિશ્વની નજર ચંદ્રયાન-3 પરઃ 6.04 કલાકે લેન્ડિંગ

બેંગલુરુઃ ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક થવાનો છે. ચંદ્રમાની સપાટી પર લેન્ડ કરતાં ભારત ચંદ્રના સાઉથ પોલ પર પહોંચનારો પહેલો દેશ બની જશે. સાંજે 6.04 કલાકે ચંદ્રયાન ચંદ્રમાના દક્ષિણી ધ્રુવની સપાટી પર લેન્ડ કરવાના પ્રયાસ કરશે. વિશ્વની નજર ચંદ્રયાન-3 પર ટકેલી છે. દેશના લોકો ચંદ્રયાન-3ની સફળતા માટે પૂજા-અર્ચના કરી રહ્યા છે. જોકે ચંદ્રયાન-3નું લેન્ડર-રોવર ચંદ્ર પર એક દિવસ કામ કરશે.ઇસરોએ કહ્યું હતું કે વિક્રમ લેન્ડર બધા પેરામીટરની સતત સફળતાની તપાસ કરી રહ્યું છે. ઇસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં લેન્ડિંગથી જોડાયેલા કમાન્ડ લોડ કરી દેવામાં આવ્યા છે. બપોરે આ કમાન્ડને લોક કરી દેવામાં આવશે. હાલ ચંદ્રયાન-3 ચંદ્રમાની સપાટીને 30.5 કિમીના અંતે ચંદ્રમાના ચક્કર કાપી રહ્યું છે. ઇસરોએ ચંદ્રયાન-2માંથી સબક શીખતાં અન્ય ઘણા ફેરફાર કર્યા છે.

ચંદ્રયાન-3ના રોવરમાં લાગેલી સોલર પ્લેટ પ્રજ્ઞાનને ચંદ્રમાની સપાટી પર ફરીને ઊર્જા આપશે. આટલું જ નહીં, પ્રજ્ઞાન રોવર ચંદ્રમા પર ભારતનાં નિશાન છોડશે. આ રોવરમાં કુલ છ પૈડાં છે, જેમાં છેલ્લાં બે પૈડામાં ઇસરો ને દેશના રાષ્ટ્રીય ચિહ્ન અંકિત કરવામાં આવ્યાં છે. પ્રજ્ઞાન રોવરમાં લાગેલાં આધુનિક સેન્સર ચંદ્રમાની સપાટીથી ભૌગોલિક અને અન્ય મહત્ત્વની માહિતી એકત્ર કરીને ઇસરોને મોકલશે.ચંદ્રયાન સાઉથ પોલ પર લેન્ડિંગ કરશે, જે જગ્યાએ ચંદ્રયાન ઊતરશે, ત્યાં માત્ર પહાડ છે. આ વિસ્તારમાં પાણી અને ખનિજ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પ્રજ્ઞાન રોવરનું વજન માત્ર 26 કિલો છે. વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ પછી પ્રજ્ઞાન રોવર ચંદ્રમાની સપાટી પર ઊતરશે. એ વિક્રમ લેન્ડરની અંદર એક રેમ્પની મદદથી નીકળશે. પ્રજ્ઞાન રોવરનું મુખ્ય કામ છે કે ચંદ્રમા પર કરવામાં આવેલી શોધને ધરતી પર મોકલવી.