શિમલાઃ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા પછી ભારત-કેનેડામાં ટેન્શન પ્રવર્તી રહ્યું છે. કેનેડામાં તણાવ વચ્ચે હિમાચલ પ્રદેશમાં પણ ખાલિસ્તાની સમર્થકો સક્રિય થયા છે. કાંગડા જિલ્લાના ધર્મશાલામાં એક સરકારી ઓફિસની દીવાલ પર ગઈ રાત્રે કોઈ અજાણી વ્યક્તિએ ખાલિસ્તાન જિંદાબાદનું સૂત્ર લખ્યું હતું. જોકે પોલીસે એ સૂત્ર દીવાલ પરથી દૂર કર્યું હતું.
હિમાચલ પ્રદેશની DGP ઓફિસનું કહેવું છે કે ત્રીજી સપ્ટેમ્બરની રાત્રે ધર્મશાલામાં જળશક્તિ વિભાગના સર્કલની ઓફિસની દીવાલ પર કોઈ વ્યક્તિએ ખાલિસ્તાન જિંદાબાદનું સ્લોગન લખ્યું હતું. આ સંબંધમાં ધર્મશાલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
DGP સંજય કુંડુએ કહ્યું હતું કે CCTV ફુટેજને આધારે બે સંદિગ્ધ યુવકોની અટકાયત કરવામાં આવી છે. આ યુવકોએ દીવાલ પર લખ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી બાજુ ગુરુપંતવંત પન્નુ તરફથી એક સંદેશ વાઇરલ થયો છે, જેમાં વિશ્વ કપની મેચોને ટાર્ગેટ કરવાની વાત કહેવામાં આવી છે. હાલ ધર્મશાલામાં પોલીસ, મિલિટરી, ઇન્ટેલિજન્સ, IB અને CIDની ટીમો ધર્મશાલામાં સક્રિય થઈ ગઈ છે. ધર્મશાલા ને મેકલોડગંજમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. આ ઓફિસના વોચમેનની પણ પોલીસે પૂછપરછ કરી છે. જોકે ચોકીદાર અશ્વનીએ આ કેસની માહિતી ના હોવાની વાત પોલીસને કહી છે.
આ પહેલાં સાત મે, 2022એ ધર્મશાલામાં વિધાનસભા પ્રાંગણમાં દીવાલ પર ખાલિસ્તાનતરફી સૂત્રો લખવામાં આવ્યા હતા. એ સાથે ખાલિસ્તાનનો ઝંડો પણ લગાવવામાં આવ્યો હતો. જોકે પછીથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.