વાદળ ફાટવાથી આવેલા પૂરમાં સેનાના 23 જવાનો લાપતા

નવી દિલ્હીઃ સિક્કિમમાં વાદળ ફાટવાથી આવેલા પૂરે ભારે વિનાશ વેર્યો છે. વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં પૂર આવ્યું હતું. આ પૂરમાં સેનાના 23 જવાન લાપતા થયા હતા. ખીણમાં સેનાના કેટલાક કેમ્પને અસર થઈ હતી. આ જવાનોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ગૌહાટીના ડિફેન્સ PROએ જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમથી પામી છોડવાને કારણે નીચેની તરફ 15-20 ફૂટની ઊંચાઈ જળસ્તર અચાનક વધ્યું હતું. એને કારણે સિંગતામની પાસે બારદાંગમાં સેનાના વાહનો ડૂબ્યા હતા.

આર્મીના જણાવ્યા અનુસાર વાદળ ફાટવાની ઘટના બાદ તિસ્તા નદીનું જળસ્તર અચાનક 15થી 20 ફૂટ વધી ગયું હતું. આ પછી નદીને અડીને આવેલા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. નદીના પાણી પણ અનેક ઘરોમાં ઘૂસી ગયાં હતાં. લોકો ઘર છોડીને સલામત વિસ્તારોમાં ગયા હતા.

ગુવાહાટીના ડિફેન્સ PROએ જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ લાપતા સેનાના જવાનોની શોધ માટે બચાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર પણ પોતાના સ્તરે બચાવ કાર્ય ચલાવી રહ્યું છે. જોકે હજુ સુધી જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી સામે આવી નથી.

આ પહેલાં સિક્કિમમાં 16 જૂને પણ વાદળ ફાટ્યું હતું. અહીં પાક્યોંગમાં ભૂસ્ખલન અને પછી વાદળ ફાટવાના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જેને કારણે અનેક લોકો પ્રભાવિત થયા હતા. હવામાન વિભાગે પૂર્વ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં 4-5 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. જેમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.