બે ભાઈઓએ કરી લીધાં કશ્મીરી યુવતીઓ સાથે લગ્ન અને પછી…

નવી દિલ્હી-જમ્મુકશ્મીરમાંથી સ્પેશિઅલ સ્ટેટસ હટવા સાથે એક નેતાએ નિવેદન કર્યું હતું કે હવે કશ્મીરની યુવતીઓ સાથે લગ્ન પણ કરી શકાશે. આ વાતનો જલદીમાં જલદી અમલ બિહારના બે સગાંભાઈએ કરી લીધો છે. આ બંને ભાઈઓએ કશ્મીરના સુપૌલ જિલ્લાના રાધોપુર વિસ્તારમાં રહેતી બે સગી બહેનો સાથે લગ્ન કરી લીધાંના અને ત્યારબાદ પોલિસ કાર્યવાહીનો સામનો કરવાનો આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યાં છે. અહેવાલ મુજબ જમ્મુકશ્મીરમાંથી કથિત રીતે ભગાડીને લાવવામાં આવેલી બે સગી બહેનોને કશ્મીર પોલીસે સુપૌલ પોલીસની મદદથી પકડી લીધી છે. આ મામલે બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલાં યુવકો બંને સગાભાઈઓ છે તેમનું કહેવું છે કે, તેમણે આ કશ્મીરી છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, સુપૌલ જિલ્લાના રામવિશુનપુર ગામના નિવાસી પરવેઝ આલમ અને તબરેઝ આલમને કશ્મીરી છોકરીઓ ભગાડવાના આરોપમાં ધરપકડ કરી છે.

બિહારના બે ભાઈઓ કાશ્મીરની યુવતીઓ સાથે લગ્ન કરીને ખરાબ રીતે ફસાયાં છે. હાલ બંને ભાઈઓ કશ્મીર પોલિસની કસ્ટડીમાં છે. બંનેને જેલમાં નાખવાની તૈયારી ચાલી રહી છે. અહીં સ્થાનિક પોલિસની મદદથી જમ્મુ કશ્મીર પોલીસે બે યુવતીઓને છોડાવી છે. આ બંને બહેનો પ્રેમ થયા બાદ પોતાના પતિઓ સાથે રામવિશનપુરમાં તેમના પતિના ઘરે રહેતી હતી. બંને બહેનોએ કોર્ટમાં પણ નિવેદન આપ્યું છે. હકીકતમાં યુવતીઓના પિતાએ જમ્મુ કશ્મીર પોલિસમાં તેની બંને દીકરીઓનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી હતી.

પરવેઝ અને તબરેઝ કશ્મીરમાં પ્રેમમાં પડ્યાં

પોલીસે છોડાવેલી બંને બહેનો સુપૌલમાં જ પોતાના પતિઓ સાથે રહેતી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, કશ્મીરના રામન જિલ્લામાં રહેતી બે યુવતીઓને સુપૌલ જિલ્લાના વિશનપુર ગામમાં રહેતા બે યુવકો તબરેઝ અને પરવેઝ સાથે કશ્મીરમાં પ્રેમ થઈ ગયો હતો. તબરેઝ અને પરવેઝ બંને સગા ભાઈ છે. બંને કશ્મીરમાં રહીને કડીયાકામ કરતાં હતાં.

નાદિયા અને સાયના સગી બહેન

કડીયાકામ કરતાં બંન્ને સગા ભાઈઓની મુલાકાત કશ્મીરની સગી બહેનો નાદિયા અને સાયના સાથે થઈ હતી. બંન્ને સગી બહેન છે. જે બાદમાં બંનેએ મુસ્લિમ રીત રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધાં હતાં. બાદમાં તેઓએ કોર્ટ મેરેજ પણ કર્યાં હતાં. લગ્ન બાદ તબરેઝ અને પરવેઝ પોતાની પત્નીઓ સાથે સુપૌલ આવી ગયાં હતાં.

બંન્ને યુવતીઓ પોતાના પતિ સાથે જ રહેવા માગે છે. પોલીસે આ મામલે આરોપી પરવેઝ અને તબરેઝની ધરપકડ કરી છે. આરોપી ભાઇઓનું કહેવું છે કે તેઓ બંને પુખ્ત વયના છે તેમ જ તેમની પત્નીઓ પણ પુખ્ત વયની છે. બંનેનું કહેવું છે કે તેમણે કોઈ ગુનો નથી કર્યો, બંન્નેએ યુવતીઓની મરજી બાદ જ તેમની સાથે લગ્ન કર્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]