ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગરમાં કેન્દ્રીય યોજનાઓની સમીક્ષા કરી

અમદાવાદ- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાત મુલાકાત દરમિયાન ગુરુવારે પોતાના સંસદીય ક્ષેત્રમાં કેન્દ્રીય યોજનાઓની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં જિલ્લાના તમામ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કેન્દ્રીય યોજનાઓ જેમકે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વગેરેમાં થયેલ પ્રગતિની વિગતપૂર્ણ માહિતી મેળવી હતી. જિલ્લાના અધિકારીઓએ વિભાગદીઠ પ્રેઝન્ટેશનના માધ્યમથી યોજનાઓના અમલીકરણમાં થયેલી પ્રગતિ અને તેમાં પડી રહેલી નાનીમોટી બાધાઓ અંગે જિલ્લાની આ સમીક્ષા બેઠકમાં અમિત શાહને માહિતી આપી હતી.

‘દિશા’ અંતર્ગત જિલ્લાની સમીક્ષા સમિતિની બેઠકમાં તાલુકાઓના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય ઉપસ્થિત અધિકારીઓને અધ્યક્ષ સ્થાનેથી શાહે કેટલીક તાકિદ પણ કરી હતી.

અમિતભાઈએ મોડામાં મોડા 31 ઓક્ટોબર, 2019 સુધીમાં જિલ્લાના તમામ ઘરોમાં ઉજ્જવલા યોજનાનો લાભ પહોંચાડવા તેમજ “નળથી જળ” યોજના દ્વારા સ્વચ્છ પીવાનું પાણી પુરું પાડવા આદેશ આપ્યો હતો. જિલ્લા કલેક્ટર એસ. લાંઘાએ આ સમયગાળા પહેલા જ લક્ષ્યાંકો હાંસલ કરવા ખાતરી આપી હતી. અમિત શાહે સૂચન કર્યું હતું કે એક વિશેષ સર્વે કરાવી જિલ્લાનું કોઈપણ ઘર વીજળીથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.

કેન્દ્રીય ગૃહપ્રધાને જિલ્લાના આરોગ્ય અધિકારીઓને જણાવ્યું કે આયુષ્માન ભારતનો લાભાર્થી કોઈપણ ગરીબ વ્યક્તિ પોતાના રહેઠાણથી 15 કિ.મી.ની મર્યાદામાં જ હોસ્પિટલની સુવિધાઓ મેળવી શકે તે સુનિશ્ચિત કરવું જોઈએ. બેઠકમાં સાંસદ હસમુખભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]