મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના ભૂૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની સોશ્યલ મીડિયા મારફત ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. ટ્વિટર પર ‘અમન’ નામના એકાઉન્ટ પરથી ગઈ 14 ઓગસ્ટે વાનખેડેને ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો. એમાં લખ્યું હતું, ‘તુમકો પતા હૈ તુમને ક્યા કિયા હૈ, ઈસકા હિસાબ તુમકો દેના પડેગા.’ બીજા મેસેજમાં લખ્યું હતું: ‘તુમકો ખતમ કર દેંગે.’
મેસેજ મળ્યા બાદ તરત જ સમીર વાનખેડે ગોરેગાંવ પોલીસ સ્ટેશને ગયા હતા. પોલીસે એફઆઈઆર નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી. વાનખેડેનું નિવેદન પણ રેકોર્ડ કરવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે અમન ટ્વિટર એકાઉન્ટના કોઈ ફોલોઅર્સ નથી અને તે માત્ર વાનખેડેને ધમકી આપવાના ઈરાદાથી જ ખોલવામાં આવ્યો છે.