નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર એમની પત્ની સુનંદા પુસ્કરનાં મૃત્યુના કેસમાં ફરી ઢસડાય એવી સંભાવના છે. કારણ કે, દિલ્હી પોલીસે થરૂર વિરુદ્ધ હાઈ કોર્ટમાં આજે અપીલ નોંધાવી છે. પોલીસે સુનંદાનાં મૃત્યુ સંબંધિત કેસમાંથી થરૂરને ડિસ્ચાર્જ કરવાના એક ટ્રાયલ કોર્ટના 2021ના ઓર્ડરને હાઈ કોર્ટમાં પડકાર્યો છે.
ન્યાયમૂર્તિ ડી.કે. શર્માએ દિલ્હી પોલીસના વકીલને કહ્યું છે કે તેઓ આ પીટિશનની એક કોપી થરૂરના વકીલને પણ સુપરત કરે.
ઉદ્યોજક સુનંદાનું 2014ની 17 જાન્યુઆરીએ નવી દિલ્હીની લક્ઝરીયસ લીલા પેલેસ હોટેલનાં રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. સુનંદા અને શશીનાં ઘરનું રીનોવેશન ચાલતું હોવાથી પતિ-પત્ની આ હોટેલમાં રહેતાં હતાં. બનાવની સાંજે સુનંદા ઊંઘમાંથી ન જાગતાં થરૂરે પોલીસને જાણ કરી હતી. તપાસ કરાતાં સુનંદા મૃત્યુ પામ્યાં હતાં. પ્રાથમિક રીતે, સુનંદાએ આત્મહત્યા કરી હોવાનું માલુમ પડ્યું હતું. પરંતુ બાદમાં એવા અહેવાલો આવ્યા હતા કે મૃત્યુનું કારણ અકુદરતી છે, કારણ કે સુનંદાનાં દેહ પર ઈજાનાં નિશાન જોવા મળ્યા હતા.
દિલ્હી પોલીસે 2015ની 6 જાન્યુઆરીએ કહ્યું હતું કે સુનંદાની હત્યા કરવામાં આવી હતી. 2018ના મે મહિનામાં થરૂર સામે એમના પત્નીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો તેમજ લગ્નજીવનમાં ક્રૂરતા આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. થરૂરે બધા આરોપને નકારી કાઢ્યા હતા. 2021ની 18 ઓગસ્ટે સ્પેશિયલ-ટ્રાયલ કોર્ટે થરૂરને સુનંદાનાં મૃત્યુના તમામ આરોપમાંથી મુક્ત કર્યા હતા.