નવી દિલ્હીઃ ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પહેલી લિસ્ટ જારી કરી છે. પહેલી લિસ્ટમાં ભજપે 48 ઉમેદવારોનું એલાન કર્યું છે. બાકીના 12 ઉમેદવારોનાં નામની ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે. ત્રિપુરા વિધાનસભાની 60 બેઠકો છે. રાજ્યના મુખ્ય પ્રધાન માણિક સાહા ટાઉન બોર્ડોવાળીથી ચૂંટણી લડશે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બિપ્લવ દેવ આ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. ત્રિપુરા પછી ભાજપ મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણી માટે લિસ્ટ જારી કરશે.
પાર્ટીના ઉમેદવારોનાં નામોના અંતિમ રૂપ આપવા માટે પાર્ટીની મુખ્ય ઓફિસમાં ભાજપે કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં હાજર હતા. તેમના સિવાય ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ સહિત પાર્ટીની CECના અન્ય સભ્યો હાજર હતા. આ બેઠકમાં ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સાહા અને પ્રદેશ એકમના કોર ગ્રુપના સભ્ય પણ સામેલ છે.
ભાજપની પ્રથમ યાદીમાં બે મુસ્લિમ ઉમેદવારો પણ સામેલ છે. તફઝલ હુસૈનને બોક્સનગરથી ટિકિટ આપવામાં આવી છે. કૈલાશહરથી મોહમ્મદ મોબેશર અલીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચે 18 જાન્યુઆરીએ ત્રિપુરામાં 60 સીટોવાળી વિધાનસભાની ચૂટણીની તારીખોની જાહેરાત કરી હતી. રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. મતગણતરી 2 માર્ચે થશે. ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે.