પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનો પર લદાશે ‘ગ્રીન ટેક્સ’

નવી દિલ્હીઃ દેશમાં પ્રદૂષણ ફેલાવતા 8 વર્ષ જૂના ટ્રાન્સપોર્ટ વાહનો વિશે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ મોટો નિર્ણય લીધો છે. હવેથી 8 વર્ષ જૂના ટ્રાન્સપોર્ટ વાહનો પર ફિટનેસ પ્રમાણપત્રના રીન્યૂ કરતી વખતે 10થી 25 ટકા જેટલો ‘ગ્રીન ટેક્સ’ નાખવામાં આવી શકે છે. આવો ટેક્સ નાખવાના પ્રસ્તાવને ગડકરીએ મંજૂરી આપી દીધી છે.

‘ગ્રીન ટેક્સ’ લાગુ કરતા પૂર્વે દરેક રાજ્ય સરકારોની સંમત્તિ મેળવવામાં આવશે એવી જાણકારી ટ્રાન્સપોર્ટ મંત્રાલયે આપી છે. 15-વર્ષ જૂના પર્સનલ વાહનો ઉપર પણ આ ટેક્સ લાદવામાં આવશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનો જેમ કે, સિટી બસ પર આ કર ઓછા પ્રમાણમાં રહેશે. વધુ પ્રદૂષણ ફેલાવતા શહેરોમાં રજિસ્ટર્ડ વાહનો પર 50 ટકાથી વધુ ગ્રીન ટેક્સ લગાડવામાં આવી છે. ઈંધણ અને વાહન અનુસાર તે ટેક્સ ઓછો-વત્તો થઈ શકે છે.