મહારાષ્ટ્ર માટે રવાના થયેલી ટ્રેન MP પહોંચી, યાત્રીઓ ફસાયાં, તંત્ર નિદ્રાધીન

નવી દિલ્હી- દેશભરમાં અનેક રેલવે અકસ્માતો થવા છતાં રેલવે તંત્રની બેદરકારી ઓછી થવાનું નામ નથી લઈ રહી. રેલવે અધિકારીઓને ન તો પ્રવાસીઓની સુવિધાઓનું ધ્યાન છે. ન તો પોતાની જવાબદારીનું ભાન. હાલમાં જ રેલવે તંત્રની એક એવી બેદરકારી સામે આવી છે જે સાંભળીને ચોંકી જશો.

દિલ્હીથી મહારાષ્ટ્ર જવા રવાના થયેલી ટ્રેન તંત્રની બેદરકારીને કારણે મધ્યપ્રદેશ પહોંચી ગઈ હતી. આ ટ્રેન 160 કિલોમીટર સુધી ખોટી દિશામાં દોડતી રહી, તેમ છતાં રેલવે તંત્રને અને ટ્રેનના ડ્રાઈવરને પણ આ અંગે કોઈ જાણકારી થઈ નહીં. ટ્રેન જ્યારે મધ્યપ્રદેશના બાનમોર સ્ટેશન પહોંચી ત્યારે ટ્રેનના ડ્રાઈવરને ખ્યાલ આવ્યો કે, ટ્રેન ખોટા રુટ પર જઈ રહી છે. સદનસીબે આ રુટ પર બીજી કોઈ ટ્રેન આવતી નહીં હોવાથી કોઈ દુર્ઘટના સર્જાઈ નહીં.

રેલવે પ્રસાશનની આ બેદરકારીનો ભોગ અનેક યાત્રીઓ બન્યાં હતાં. આ પ્રવાસીઓ મધ્યપ્રદેશના સ્ટેશન પર ફસાઈ ગયા હતા. જેથી રેલવે તંત્ર માટે મુસીબત એ થઈ કે આ પ્રવાસીઓને પરત કેવી રીતે પહોંચાડવા. આપને જણાવી દઈએ કે, આ પ્રવાસીઓ ખેડૂત હતા. જે દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા ખેડૂત સમ્મેલનમાં ભાગ લેવા દિલ્હી હતા. જેના માટે દિલ્હીથી મહારાષ્ટ્ર પરત જવા માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે ટ્રેનને મથુરાથી ખોટું સિગ્નલ આપવામાં આવ્યું હતું. જેના કારણે ટ્રેન મહારાષ્ટ્રને બદલે મધ્યપ્રદેશ પહોંચી ગઈ હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક યાત્રીએ જણાવ્યું કે, રેલવે તંત્રની બેદરકારીને કારણે પ્રવાસીઓ 5થી 6 કલાક મધ્યપ્રદેશના બાનમોર સ્ટેશન પર ફસાયા હતા.

તેમણે જણાવ્યું કે, હવે આ ટ્રેન ગુરુવારે તેના નિયત સ્થળે પહોંચશે. જોકે આ મામલાને લઈને હજી સુધી રેલવેના કોઈ અધિકારીઓએ પ્રવાસીઓ સાથે કોઈ જ વાતચીત કરી નથી.