નવી દિલ્હીઃ મે મહિનામાં ટામેટાંની કિલોદીઠ રૂ. પાંચે વેચાઈ રહ્યા હતા, જે જૂન, જુલાઈ અને ઓગસ્ટ સુધીમાં પ્રતિ કિલો રૂ. 300એ પહોંચ્યા હતા. જોકે પાછલાં કેટલાંક સપ્તાહોમાં ટામેટાંની કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો છે. હવે ઘટીને રૂ. 14 પ્રતિ કિલોની કિંમત સુધી આવી ગયા છે. બજારના વિશ્લેષકોના જણાવ્યાનુસાર ટામેટાંની કિંમતો વધુ ઘટીને રૂ. પાંચે સુધી આવવાની શક્યતા છે.
બજારના વિશ્લેષકોનું કહેવું છે કે ટામેટાંની કિંમતમાં આવેલો અચાનક ઘટો ઉત્તર રાજ્યોની માગમાં આવેલા ઘટાડાને કારણે છે, કેમ કે પડોશી દેશ નેપાળથી ટામેટાંની આયાતે માગ ઘટાડી દીધી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ટામેટાંની જથ્થાબંધ બજારમાં કિંમતો રૂ. પાંચથી રૂ. 10 પ્રતિ કિલોગ્રામ સુધી ઘટવાની શક્યતા છે. મૈસુર APMCના સચિવ MR કુમારસ્વામીએ કિંમતોમાં ઘટાડાની પાછળ ટામેટાંની વધેલી આવક ગણાવી હતી.
હાલ મહારાષ્ટ્રમાં સૌથી મોટી ટામેટાંની મંડી, પિપલગાંવ 1500થી 15000 ક્રેટની આવક થઈ રહી છે. જે થોડા સમય પહેલાં પ્રતિદિન 350 ક્રેટ હતી, પરંતુ હવે ટામેટાંની આવક વધવા માંડી છે.
કર્ણાટક રાજ્ય રાયથા સંઘના મહા સચિવ ઇમ્માવુ રઘુએ સરકારને અપીલ કરી હતી કે ટામેટાંની કિંમતો સહિત અન્ય શાકભાજીઓની કિંમતો સ્થિર કરવા માટે તત્કાળ હસ્તક્ષેપ કરવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે ટામેટાંનો ઉત્પાદન ખર્ચ આશરે રૂ. 10-12 પ્રતિ કિલો છે. પેકેજિંગ અને પરિવહન માટે વધારાના રૂ. ત્રણ થાય છે. જો ખેડૂતોને કિલોદીઠ રૂ. 14 મળતા હોય તો તેમણે ઘણું નુકસાન વેઠવું પડશે.