તોગડિયાએ પોતાની પાર્ટી બનાવી, નામ રાખ્યું છે, આંતરરાષ્ટ્રીય જનતા પાર્ટી

0
1686

અયોધ્યા – ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયેલા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ નેતા પ્રવીણ તોગડિયા સક્રિય રાજકારણમાં જોડાયા છે અને આજે એમના નવા પક્ષની સ્થાપના કરી છે. આ પાર્ટીનું નામ છે – આંતરરાષ્ટ્રીય જનતા પાર્ટી. એણે આવતા ત્રણ મહિનામાં જ અયોધ્યામાં રામ મંદિર બાંધવાની ઘોષણા પણ કરી છે. તોગડિયાએ કહ્યું છે કે એમની પાર્ટી 2019ની લોકસભા ચૂંટણી લડશે.

અહીં પોતાના સમર્થકોને સંબોધિત કરતાં કટ્ટર હિન્દુવાદી નેતા તોગડિયાએ ભારતીય જનતા પાર્ટી પર એવો આરોપ મૂક્યો હતો કે રામ મંદિર મુદ્દે એણે જનતા સાથે દગાબાજી કરીછે.

તોગડિયા હાલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંગઠનના નેતા છે. આ સંગઠનની રચના એમણે વિશ્વ હિન્દુ પરિષદમાંથી હકાલપટ્ટી થયા બાદ કરી હતી.

તોગડિયાએ કહ્યું છે કે જે લોકોએ રામ મંદિરના નામે સોગંદ લીધા હતા તેઓ નવી દિલ્હીમાં પોતાની રૂ. 500 કરોડની ઓફિસ બનાવી બેઠા છે, જ્યારે ભગવાન રામ હજી પણ ખુલ્લા આકાશમાં અને તંબૂમાં રહે છે.