કોલકાતા/નવી દિલ્હી – દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ફીમાં કરાયેલા વધારા સામે વિદ્યાર્થીઓ લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે. આ મુદ્દે હવે વિદ્યાર્થીઓમાં બે ગ્રુપ પડી ગયા છે – એક છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રેરિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) ગ્રુપ અને બીજું છે ડાબેરી વિચારસરણીવાળા પક્ષો દ્વારા પ્રેરિત ગ્રુપ.
ગઈ કાલે સાંજે લગભગ 4.30 વાગ્યે કેટલાક બુકાનીધારી શખ્સો યુનિવર્સિટીના કેમ્પસમાં ઘૂસ્યા હતા અને તોડફોડ કરી હતી તથા ગર્લ્સ હોસ્ટેલ સહિત 3 હોસ્ટેલમાં પણ ત્રાટકીને વિદ્યાર્થીઓની નિર્દયતાપૂર્વક મારપીટ કરી હતી. હુમલાખોરો લાઠી, હોકી સ્ટીક, લોખંડના સળિયા અને પથ્થરો સાથે ત્રાટક્યા હતા. એ હુમલામાં વિદ્યાર્થી સંગઠનના મહિલા અધ્યક્ષ આઈશી ઘોષ ગંભીર રીતે ઘાયલ થયાં છે. એમને માથામાં માર મારવામાં આવ્યો હતો અને માથામાં એમને પાંચ ટાંકા આવ્યા છે.
આઈશી ઘોષને એમ્સ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેઓ હાલ આઈસીયૂમાં છે.
12 જેટલા શખ્સોએ કરેલા હુમલામાં 27 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા એમાંના 18 જણને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આઈશી ઘોષનાં કોલકાતા સ્થિત નિવાસસ્થાને એમનાં માતા-પિતાએ આ હુમલા અંગે રોષ અને ચિંતાની લાગણી વ્યક્ત કરી છે.
આઈશીનાં પિતાએ કહ્યું કે આજે મારી દીકરી પર હુમલો કરવામાં આવ્યો છે, કાલે કદાચ મારી ઉપર કરવામાં આવે.
આઈશીનાં માતાએ જેએનયૂના વાઈસ-ચાન્સેલરના રાજીનામાની માગણી કરી છે અને સાથોસાથ એમ પણ કહ્યું છે કે આ હુમલો થયો તે છતાં પોતે એમની દીકરીને ફી વધારા સામેનું આંદોલન પડતું મૂકવા નહીં કહે.
આઈશીનાં પિતાએ કહ્યું કે, આખા દેશમાં પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અમને ભયભીત છીએ. આજે મારી દીકરી પર હુમલો કરવામાં આવ્યો છે, કાલે કદાચ કોઈ બીજા પર હુમલો થઈ શકે છે. કોને ખબર, કદાચ મારી પણ મારપીટ કરવામાં આવે.
એમણે કહ્યું કે, હુમલાની જાણ મને બીજાં લોકો તરફથી થઈ હતી. ફી વધારા સામે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા. આઈશીને માથામાં પાંચ ટાંકા આવ્યા છે. અમે ચિંતામાં છીએ.
એમણે કહ્યું કે આજે દેશભરમાં ડાબેરીઓનો વિરોધ થઈ રહ્યો છે. મારી દીકરી ડાબેરીઓનાં આંદોલનમાં જોડાઈ છે. દરેક જણ ડાબેરી આંદોલનનો વિરોધ કરે છે.
આઈશીનાં માતાએ કહ્યું કે જેએનયૂના વાઈસ-ચાન્સેલર એમ. જગદીશ કુમારે રાજીનામું આપવું જોઈએ, કારણ કે ફી વધારા સામે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે તેઓ સીધી વાટાઘાટ શરૂ કરાવતા નથી.
પોલીસે આખી રાત જેએનયૂ પરિસરમાં ફ્લેગમાર્ચ કરી
દરમિયાન, દિલ્હી પોલીસે ગઈ આખી રાત જેએનયૂ પરિસરમાં ફ્લેગમાર્ચ કરી હતી. યુનિવર્સિટીના સંચાલકોએ રવિવારે સાંજે કરાયેલા હુમલા અંગે પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે. પોલીસે લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓને અટકમાં લીધા છે. હુમલા માટે ડાબેરી તરફી વિદ્યાર્થી સંગઠનો તથા એબીવીપી એકબીજાને દોષી ગણાવે છે.
બુકાનીધારી હુમલાખોરોમાં છોકરીઓનો પણ સમાવેશ થતો હતો.
હુમલાની જાણ થયા બાદ તરત જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીના પોલીસ કમિશનર સાથે ફોન પર વાત કરી હતી અને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
જેએનયૂના વિદ્યાર્થી રહી ચૂકેલા વિદેશ પ્રધાન એસ. જયશંકર અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામને હુમલાને વખોડી કાઢ્યો છે.