દિલ્હીની JNU હોસ્ટેલમાં ઘૂસી બુકાનીધારી શખ્સોએ વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલા કર્યા

નવી દિલ્હી – અત્રેની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં આજે ફરી હિંસક ઘટના બની છે. યુનિવર્સિટીના કેમ્પસમાં ઘૂસીને કેટલાક બુકાનીધારી શખ્સોએ મારધાડ કરી હતી. એમાં વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ આઈશી ઘોષને માથામાં સખત ઈજા થઈ હતી.

આઈશીએ કહ્યું કે લાઠીઓ અને લોખંડના સળિયાઓ સાથે આવેલા બુકાનીધારી ઈસમોએ મારી પર હુમલો કર્યો હતો. એમણે મારી બહુ મારપીટ કરી હતી.

યુનિવર્સિટીના CSRD વિભાગનાં સુચારિતા સેન ઉપર પણ હુમલો કરાયો હતો. એમને માથામાં ઈજા થતાં એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે. હુમલામાં આઈશી ઘોષ ઉપરાંત વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી સતિષ ચંદ્ર તથા ઘણા શિક્ષકો પણ ઘાયલ થયાં છે.

મારપીટની આ ઘટના બાદ 7 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

દરમિયાન, કેમ્પસના મુખ્ય પ્રવેશદ્વાર પર પોલીસોને તહેનાત કરવામાં આવ્યા છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે જેએનયૂમાં થયેલી હિંસક ઘટનાથી સ્તબ્ધ થઈ ગયો છું. વિદ્યાર્થીઓને બહુ ખરાબ રીતે મારવામાં આવ્યા છે. પોલીસે તત્કાળ હિંસા રોકીને કેમ્પસમાં શાંતિ પ્રસ્થાપિત કરવી જોઈએ. આ રીતે યુનિવર્સિટીના કેમ્પસની અંદર આપણા વિદ્યાર્થીઓ સુરક્ષિત નહીં રહે તો આપણો દેશ આમ કેવી રીતે પ્રગતિ કરશે.

કેમ્પસમાં મારપીટનો એક વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. જેમાં બુકાની બાંધેલા લોકો ઘોષ તથા અન્ય વિદ્યાર્થીઓ પર હુમલો કરતા નજરે પડે છે.

બુકાનીધારીઓ જેએનયૂની અંદર આવેલી સાબરમતી હોસ્ટેલ, માહી માંડવી હોસ્ટેલ, પેરિયાર હોસ્ટેલમાં ઘૂસ્યા હતા અને વિદ્યાર્થીઓની મારપીટ કરી હતી.

વિદ્યાર્થી સંઘનો આરોપ છે કે આ હુમલો આરએસએસ સંલગ્ન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા કરાવવામાં આવ્યો હતો. ગુંડાઓએ પથ્થરમારો પણ કર્યો હતો અને હોસ્ટેલની મિલકતની તોડફોડ પણ કરી હતી.

ઈજાગ્રસ્ત આઈશી ઘોષ અને સુચારિતા સેનનાં ફોટા અને વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા છે.

આ હિંસક અથડામણ એબીવીપી અને ડાબેરી ઝોક ધરાવતા વિદ્યાર્થીઓ વચ્ચે ફાટી નીકળી હતી.

એબીવીપીનો દાવો છે કે ડાબેરી પક્ષો તરફી વિદ્યાર્થી સંગઠનોએ તેના સભ્યો પર ક્રૂરપણે હુમલો કર્યો હતો જેમાં તેના 25 સભ્યો ઘાયલ થયા છે.