મુંબઈઃ અહીંથી નજીકના પાલઘર જિલ્લાના વિરારમાં ગઈ કાલે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક બેન્કમાં લૂંટ કરવાના ઈરાદે ઘૂસેલા તેના જ એક ભૂતપૂર્વ કર્મચારીએ બેન્કનાં મહિલા અધિકારીની કરપીણ રીતે હત્યા કરી હતી. આ ઘટના વિરાર પૂર્વમાં આવેલી ICICI બેન્કની શાખામાં બની હતી. આ શાખા મનવેલ પાડા વિસ્તારમાં આવેલી છે. ગઈ કાલે સાંજે બેન્કનો માજી મેનેજર અનિલ દુબે એના એક સાગરિતની સાથે બેન્કમાં ઘૂસ્યો હતો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. એ વખતે તેણે બેન્કનાં નાયબ મેનેજર યોગિતા વર્તક-ચૌધરી (36)ની ગળું ચીરીને હત્યા કરી હતી. અનિલ દુબે હાલ એક્સિસ બેન્કનો બ્રાન્ચ મેનેજર છે. દુબે પર ઘણું દેવું ચડી ગયું હતું એટલે તેણે બેન્ક લૂંટવાનો પ્લાન ઘડ્યો હતો. પોતે બેન્કનો ભૂતપૂર્વ મેનેજર હોવાથી આ બેન્કના સેફ અને લોકરથી એ વાકેફ હતો.
દુબેએ હુમલો કરીને બેન્કનાં ખજાનચી શ્વેતા દેવરૂખ (32)ને ગંભીર રીતે ઘાયલ કર્યાં છે. આ મહિલા કર્મચારીઓ બેન્કનાં કામકાજ માટે બેન્કમાં મોડે સુધી રોકાયાં હતાં. એ વખતે રાતે આઠ વાગ્યા હશે. અનિલ દુબે બેન્કમાં ઘૂસ્યો હતો. એણે યોગિતા વર્તકની કેબિનમાં જઈને ગળું ચીરીને એમની હત્યા કરી હતી. ત્યારબાદ એ બેન્કમાંથી રોકડ રકમ અને સોનું લઈને ભાગી રહ્યો હતો ત્યારે કેશિયર શ્વેતાએ એનો વિરોધ કર્યો હતો, પણ દુબે એમની પર હુમલો કરીને ભાગી ગયો હતો. શ્વેતાએ બૂમાબૂમ કરતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ અનિલ દુબેને પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલાં શ્વેતાને નજીકની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અનિલ દુબેને પકડીને લોકોએ એને ઢોરમાર માર્યો હતો. એ પણ ગંભીર રીતે ઘાયલ થયો છે.